રાજકોટ : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. એવામાં દેશભરમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 22 જાન્યુઆરીના રોજ રાજકોટના અર્બન ફોરેસ્ટ રામ વનમાં નિશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે. જ્યારે નાના મોટા વૃદ્ધો સૌ કોઈને આ દિવસે રામ વનમાં નિશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે. રાજકોટ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય જાહેર કરવાની સાથે શહેરીજનોને મોટા પ્રમાણમાં રામવનની મુલાકાત લેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.
47 એકરમાં બનાવાયું છે રામવન : રાજકોટના આજીડેમ નજીક અર્બન ફોરેસ્ટમાં 47 એકરમાં રામવન ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે આ રામ વનમાં ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. તેમજ અહી 30 ફૂટની રામ મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. ત્યારે રાજકોટ અને અન્ય જિલ્લાઓમાંથી આવતા મોટા પ્રમાણમાં લોકો રામવનની મુલાકાત પણ લેતા હોય છે. એવામાં અયોધ્યા ખાતે ભગવાન રામને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નિર્માણ પામેલ રામવનમાં નિશુલ્ક એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. જેને લઇને શહેરીજનોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે.
દીવાલો ઉપર ભગવાન શ્રીરામના ચિત્રો : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં દીવાલો ઉપર ભગવાન શ્રીરામના ચિત્રો દોરવામાં આવ્યા છે. આ સાથે જ અયોધ્યામાં જે પ્રકારે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની પ્રતિકૃતિ દીવાલો ઉપર દેખાઈ રહી છે. રાજકોટમાં પણ ભગવાન રામને વધાવવા માટે શહેરીજનો દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ સાથે જ શહેરના વિરાણી ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેમાં ભવ્ય વાહન રેલી સાથે આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. એવામાં હવે કોર્પોરેશન દ્વારા રામવનની નિશુલ્ક એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.