રાજકોટ: વૈશ્વિક મહામારી કોરોના સામે હાલ તમામ દેશો લડી રહ્યા છે. આ મહામારી માટેની દવા કે વેકસીન હજુ સુધી શોધાઈ નથી, પરંતુ કોરોનાની સારવાર માટે Remdesivir Injection ખુબજ ઉપયોગી બન્યા છે. સામાન્ય રીતે કોરોનાના દર્દીનું ઓક્સિજન લેવલ ક્રિટિકલ ન થાય તે માટે દર્દીને આ ઇન્જેક્શન આપવામાં આવે છે. જેને લઈને રાજ્યના મોટાભાગના શહેરમાં Remdesivir Injectionની માંગમા વધારો થયો છે.
ઈન્જેક્શનની માગ વધતાની સાથે જ તેની કાળા બજારી પણ શરૂ થઈ છે. જેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવીને આ ઇન્જેક્શનની કાળા બજારી કરતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમાં એક નર્સિંગ સ્ટાફની મહિલાનો પણ સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દેવિયાની જીતેન્દ્ર ચાવડા નામની શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી મહિલા આ પ્રકારના ઇંજેક્શનની વ્યવસ્થા કરી આપે છે. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું. જેવી દેવિયાની ઈન્જેક્શન લઈને ગોંડલ રોડ પર આવેલી શાંતિ કોવિડ હોસ્પિટલ નજીક આવી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને બે Remdesivir Injection સાથે ઝડપી પાડી હતી.
દેવિયાની સાથે ઈન્જેક્શન માટે તેનો ફિયાન્સ વિશાલ ભુપતભાઇ ગોહેલ પણ આવ્યો હતો. તેને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જ્યારે ઈન્જેક્શન અંગે આ બન્ને પાસેથી કોઈપણ બિલ કે આધાર પુરાવા પણ મળ્યા ન હતા.
દેવ્યાનીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને આ ઇન્જેક્શન જલારામ હોસ્પિટલમાં રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત મનોજ રાઠોડ નામના ઈસમ પાસેથી રૂ.15 હજારમાં લીધા હતા. જ્યારે અંકિતે આ ઇન્જેક્શન જલારામ મેડિકલ સ્ટોરમાજ નોકરી કરતા જગદીશ ઇન્દ્રવદન શેઠ પાસેથી 14 હજારમાં ખરીદ્યા હતા. જગદીશનું પૂછપરછમાં સામે આવ્યું કે તેને આ ઇન્જેક્શન અગાઉ જલારામ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતા હિંમત કાળુભાઇ ચાવડા પાસેથી રૂ. 12 હજારમાં ખરીદ્યા હતા. હાલ આ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત પાંચની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.