રાજકોટઃ હવે સૌરાષ્ટ્રના પાટનગર અને રંગીલા ગણાતા શહેર એવા રાજકોટમાં વનરાજ સિંહની ડણક ગૂંજશે. રાજકોટમાં એશિયાટિક લાયન સફારી પાર્કને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી વિભાગે રાજકોટને આ મંજૂરી આપી દીધી છે. હવે રાજકોટના પ્રાણી ઉદ્યાનને વિક્સિત કરીને અંદાજિત 33 હેક્ટર જમીનમાં રુ.30 કરોડના ખર્ચે એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કમાં એશિયાટિક સિંહોનું સંવર્ધન અને ઉછેર કરવામાં આવશે. જેથી આ પ્રાણી ઉદ્યાનની મુલાકાત લેતા પ્રવાસીઓ લાયન સફારી પાર્કનો આનંદ પણ માણી શકશે.
એશિયાટિક લાયન સફારી પાર્કની કામગીરી
• કમ્પાઉન્ડ દીવાલ
• ચેઈનલિંક ફેન્સ: ચેઈનલિંક ફેન્સીંગ ઉંચાઈ : 5.0 મીટર, લંબાઇ – 5500 મીટર
• પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર: પ્રાણીઓ માટે ખોરાક તથા અન્ય સુવિધાઓ સાથેનું નાઈટ શેલ્ટર બનાવવામાં આવશે.
• ટૂ વે ગેટ: મુલાકાતીઓને ઇલેક્ટ્રીક સંચાલીત વાહનમાં બેસાડી પ્રવેશ આપવામાં આવશે. જે માટે ટૂ વે એન્ટ્રી-એક્ઝીટ ગેટ બનાવવામાં આવશે.
• ઈન્સ્પેકસન રોડ: કમ્પાઉન્ડ દિવાલ અને ચઇનલીંક ફેન્સ દિવાલ વચ્ચે ૦૫ મીટર પહોળાઇનો ઈન્સ્પેકસન રોડ બનાવવામાં આવેશે.
• ઈન્ટરનલ રોડ: પાર્કમાં ખુલ્લામાં વિહરતા પ્રાણીઓના લોકેશન માટે જુદા જુદા ઈન્ટર ક્નેક્ટેડ રોડ બનાવવામાં આવશે.
• વોચ ટાવર: પાર્કમાં એક અથવા બે જગ્યાએ સીક્યુરીટી સબબ વોચ ટાવર બનાવવામાં આવશે.
• વોટર પોઇન્ટ: પાર્કમાં ખુલ્લામાં વિહરતા પ્રાણીઓ માટે જુદી જુદી જગ્યાએ પીવાના પાણીના પોન્ડ બનાવવામાં આવશે.
• સિંહોના કુદરતી રહેઠાણને સુસંગત જંગલ: ગીરની ઝાંખી થાય તેવા સ્વરૂપનું અને સિંહોના કુદરતી રહેઠાણને સુસંગત જંગલની કામગીરી પૂર્ણ કરાશે
• આયુર્વેદીક વન: મુલાકાતીઓ આયુર્વેદીક વનસ્પતીઓથી વાકેફ થાય તે માટે આયુર્વેદીક પ્લોટ ડેવેલપ કરવામાં આવશે.
• ચેક ડેમ: સાફારી પાર્કની અંદર આર્ટીફીસીયલ ચેક ડેમ ડેવલપ કરવામાં આવશે.
મુલાકાતીઓ માટેની સુવિધા
• આર્ટીસ્ટીક એન્ટ્રી ગેઈટ: સફારી પાર્કના બહારના ભાગે મુલાકાતી પ્રવેશ માટે આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા બનાવવામાં આવશે.
• મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રીક વાહન વ્યવસ્થા:-
• પાર્કિંગ: મુલાકાતીઓના વાહન માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે.
• ટિકિટ બુકીંગ ઓફિસ: મુલાકાતીઓને પ્રવેશ ટિકિટ મેળવી શકે તે માટે ટીકિટ બુકીંગ ઓફીસ
• રેસ્ટીંગ શેડ એન્ડ ટોઈલેટ બ્લોક:
• લોન અને ગાર્ડન વિથ ચિલ્ડ્રન પ્લે એરીયા:
• મુલાકાતીઓ માટે ફીલ્ટર પાણીની વ્યવસ્થા:
• મુલાકાતીઓ માટે ફૂડ કોર્ટ:
• મુલાકાતી સેલ્ફી પોઇન્ટ:
સિંહના સંવર્ધન માટે પ્રયત્નોઃ રાજકોટના આ પ્રાણી ઉદ્યાનને સિંહ સંવર્ધન અને ઉછેર માટે અગાઉ માન્યતા મળી ચૂકી છે. જે સંદર્ભે અત્યાર સુધી આ પ્રાણી ઉદ્યાનમાં 50 સિંહબાળનો સફળતાપૂર્વક ઉછેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજી ડેમ ખાતે આવેલા જૂના ઝૂને પણ એશિયાટિક સિંહના સંવર્ધન અને ઉછેર કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના વન્ય પ્રાણી વિનીમય અનુસાર રાજકોટથી ગુજરાતના અમદાવાદ અને ગુજરાત બહાર હૈદરાબાદ, પંજાબ, લખનઉ, મૈસૂર, છત્તીસગઢ જેવા રાજ્યોના પ્રાણી સંગ્રહાલયમાં સિંહો પહોંચાડવામાં આવ્યા છે.
7 લાખથી વધુ મુલાકાતીઓઃ રાજકોટનું હયાત પ્રાણી ઉદ્યાન અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષે દહાડે આ પ્રાણી ઉદ્યાનની મુલાકાત 7 લાખ જેટલા પ્રવાસીઓ લે છે. જાહેર રજા અને તહેવારોના દિવસોમાં આ પ્રાણી ઉદ્યાનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. આ પ્રાણી ઉદ્યાનમાં હાલ કુલ 67 પ્રજાતિઓના કુલ 555 પશુ પક્ષીઓ છે. જેમાં એશિયાટિક લાયન, સફેદ વાઘ, દીપડો, 2 પ્રજાતિના રીંછ, 2 પ્રજાતિના મગર, 6 પ્રજાતિના હરણ, 4 પ્રજાતિના વાંદરા, 4 પ્રજાતિના શ્વાન કુળના પ્રાણીઓ, અનેક પ્રજાતિના નાના પ્રાણીઓ, અનેક પ્રજાતિના સાપ તેમજ વિવિધ પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ પ્રાણી ઉદ્યાનમાં સર્પઘર અને માછલીઘર મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ ધરાવે છે.