રાજકોટઃ શહેરમાં આવેલા 4 પોઝિટિવ કેસમાંથી એક સર્ગભા મહિલા હતી. જે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા અંકુર સોસાયટીની હતી. આ મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી.
તેમજ તેની સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં મેટરનિટી સેક્શનમાં સવારે 11 કલાકે ડિલિવરી કરવામાં આવી હતી. જે દરમિયાન મહિલાએ 2.50 કિલો વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. જો કે, હાલ મહિલા અને જન્મેલું બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા આ નવા જન્મેલા બાળકના કોરોના સેમ્પલ લેવાની પણ તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ પ્રકરણો કેસ પ્રથમવાર જ સામે આવ્યો છે. જેમાં કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાને ડિલિવરી કરવામાં આવી હોય.
અગાઉ રાજકોટમાં 11 દિવસની બાળકીનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પણ ઘટના સામે આવી છે. હાલ આ બાળકીની તબિયત પણ સુધારા પર હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં સદનસીબે રાજકોટમાં કોરોનાથી કોઈપણ દર્દીનું મોત થયું નથી.