રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના પ્રવાસે આવનાર છે. ત્યારે પીએમ મોદી રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ આપવાના છે. એવામાં રાજકોટવાસીઓ પણ પીએમ મોદીને પ્લેન ભેટમાં આપવામાં આપવાના છે. જેમાં ઇમિટેશન માર્કેટ એસોસિયન સાથે જસદણના કારીગરો દ્વારા આ પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી રાજકોટના ઉદ્યોગોને રીપ્રેઝન્ટ કરવામાં આવશે. આ પ્લેન જસદણના કારીગરો અને રાજકોટ ઇમિટેશનના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. તે દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેઓને આ ભેટમાં આપવામાં આવશે. પ્લેન બનાવનાર કારીગરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિમાનની વિશેષતા : રાજકોટમાં પીએમ મોદીને હીરાજડીત પ્લેન ભેટમાં આપવામાં આવનાર છે. ત્યારે આ મામલે પ્રોજેક્ટ અધિકારી આઈ. જી. ઝાલાએ પ્લેન અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જસદણમાં જે પ્લેનને બનાવવામાં આવ્યું છે તેની વિશેષતા એ છે કે તે પાઇનના વૃક્ષમાંથી બનાવવામાં આવ્યું છે. જેના કારણે તે સાઈઝમાં મોટું છે પરંતુ તેનું વજન ખૂબ જ ઓછું છે. જ્યારે રાજકોટ જિલ્લાના જસદણની પટારી કારીગીરી આ પ્લેન ઉપર બનાવવામાં આવી છે. જેમાં ઓટોમોબાઇલ ઉદ્યોગને દર્શાવવા માટે વિમાનના ટાયર બેરિંગના લગાવવામાં આવ્યા છે. જે રાજકોટના ઓટો મોબાઇલ ઉદ્યોગને રીપ્રેઝન્ટ કરે છે. જસદણના કારીગરો દ્વારા આ પ્લેન તૈયાર કરીને ઇમિટેશનના કારીગરોને આપવામાં આવ્યું હતું. જેમાં ઇમિટેશનના કારીગરોએ આ વિમાનને ઇમિટેશન આર્ટથી મઢ્યું છે.
આ પ્લેનના નિર્માણ દરમિયાન સૌ પ્રથમ જસદણના એન્ટિક વસ્તુઓના કારીગરો દ્વારા મૂળ કાષ્ઠનું અઢી ફુટનું વિમાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ અઢી ફુટની સાઈઝના લાકડાના પ્લેન પર રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા વિશિષ્ટ ઇમિટેશનનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. તેના પર ઇમિટેશનની ડાયમંડ અને મોતીની જ્વેલરી જડીને તેને શણગારવામાં આવ્યું છે.-- આઈ.જી. ઝાલા (પ્રોજેક્ટ અધિકારી, રાજકોટ)
હીરાજડીત વિમાન : આ વિમાનના નિર્માણ માટે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિયેશને જહેમત ઉઠાવી હતી. ઈમિટેશનના નિષ્ણાત 30 કારીગરોને આ કામમાં રોક્યા હતા. આ કારીગરોએ 30 કલાકની સખત મહેનતથી આ વિમાનને શણગાર્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે આ વિમાનની પ્રતિકૃતિ સમાન રાજકોટના વિકાસની ઉડાનનું પ્રતીક બની રહેશે.