રાજકોટઃ ઉનાળો આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પાણીની સમસ્યાનો સામનો દર વખતે સ્થાનિકોને કરવો પડે છે. એવામાં હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી. તે પહેલા જ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પાણીની સમસ્યાનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારમાં પાણી વિતરણ નહીં કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
સમસ્યા સામે આવી: રાજકોટના વોર્ડ નંબર 11માં બાપાસીતારામ ચોક નજીક સોરઠીયા વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે આજે સ્થાનિક મહિલાઓ એકઠી થઈ હતી. કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. આ સાથે જ મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. અમે પાણી મામલે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કોર્પોરેશન દ્વારા અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પાણી સમયસર આપવામાં આવતું હતું. પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારબાદ ફરી વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો Surat news: નળમાંથી પાણી નહિ પરંતુ કીચડ નીકળ્યું, વરાછાવાસીઓનો રોષ ફાટ્યો
વાત સાંભળતું નથી: પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલા એવી અસ્મિતાબેન વિસપરાએ ETVને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની મુખ્ય સમસ્યા પાણીની છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણી નથી આવી રહ્યું. આ સાથે જ અમારા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક પણ વધી ગયો છે. ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર ગંદકીના ગજ જોવા મળી રહ્યા છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે સ્થાનિક નેતાઓ અમારા વિસ્તારમાં આવતા હતા. પાણી પણ અમારા વિસ્તારમાં પૂરતું આવતું હતું. પરંતુ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. હવે ઉનાળો હજુ આવ્યો નથી. તેમ છતાં અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી વિતરણ કરવામાં આવતું નથી.
અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી તેમજ કચરો સહિતની ઘણી બધી સમસ્યાઓ છે. જ્યારે વોર્ડ નંબર 11માં ચાર કોર્પોરેટરો ભાજપના ચૂંટાયેલા છે. પરંતુ તેઓ એક પણવાર આ વિસ્તારની મુલાકાત માટે આવ્યા નથી. ચૂંટણી સમયે મત લેવાના હોય છે ત્યારે આ લોકો આવે છે. ત્યાર પછી આવતા નથી. આ મામલે અમે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરી છે કે અમારો વિસ્તારએ રહેણાંક વિસ્તાર છે. છતાં પણ અહીંયા કોમન પ્લોટમાં અલગ અલગ ધંધાર્થીઓ પોતાનો ધંધો ખોલીને બેસી ગયા છે. પરંતુ કોર્પોરેશન આ બાબતને લઈને અમારી વાત સાંભળતું નથી. ---ચંદ્રિકાબેન (વિસ્તારના રહેવાસી)