રાજકોટઃ ભારતીય સંસ્કૃતિમાં ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. ગાયનું ધાર્મિક ઉપરાંત કુદરતી અને સામાજિક રીતે બહુ મહત્વ છે. ગાય એક એવું પ્રાણી છે જે માનવજાત માટે અનેક રીતે ઉપયોગી છે. ગાયને માતાનું બિરુદ આપવામાં આવે છે. આવા મહત્વના પ્રાણીનું સન્માન કરીને લોકો ધન્યતા અનુભવે છે. ઉપલેટાના ભાયાવદરના ખાતે રહેતા ફળદુ પરિવારે ગાયનું સન્માન કરીને માતા તરીકેનું બિરુદ સાર્થક કર્યુ છે.
ડેકોરેટિવ બેલ્ટ્સઃ ભાયાવદરના ફળદુ પરિવારના મોભી નરેન્દ્ર ફળદુ અને તેમના સંતાનોએ પોતાના વિસ્તારની 200 ગાયોનું અનોખુ સન્માન કર્યુ છે. ફળદુ પરિવારે ગાયોના ગળામાં ડેકોરેટિવ બેલ્ટ્સ પહેરાવ્યા છે. આ બેલ્ટ્સ ખાસ કરીને કોડીઓ અને નાની ઘંટડીઓથી સજ્જ છે. આ બેલ્ટ્સને લીધે ગાયોની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. તેમજ તે સુંદર દેખાય છે. આ ડેકોરેટિવ બેલ્ટ્સને પરિણામે ગાય જ્યાંથી પસાર થાય ત્યાં અવાજ આવે છે.
ઉદ્દેશ્યઃ ગાયોને ડેકોરેટિવ બેલ્ટ્સ પહેરાવવા પાછળનો ઉદ્દેશ્ય બહુ પ્રશંસનીય છે. આ બેલ્ટ્સ પહેરાવાથી ગાયો જ્યાં પણ જ્યાં ત્યાં ઘંટડીનો અવાજ આવે છે. તેથી રાત્રે કે માર્ગો પર ગાયના આવવા જવાથી લોકોને ખબર પડે અને માર્ગ આપી દે. આ ઉપરાંત ગાયોને આ રીતે શણગારીને ફળદુ પરિવાર સ્થાનિકોને એક સંદેશ પણ આપવા માંગે છે. અનેક લોકો પ્લાસ્ટિકની બેગમાં વધેલું ખાવાનું, સડેલા શાકભાજી તેમજ અનેક અખાદ્ય પદાર્થો ભરીને નાખી દેતા હોય છે. ગાય આ પદાર્થો ખાય છે અને બિમાર પડે છે. ઘણીવાર ગાયો વધેલા ખાવાની સાથે નાંખવામાં આવતા ખીલા, બ્લેડ કે કાચને પણ ખાઈ જાય છે. જે તેના પેટમાં રોગ પેદા કરે છે જેના પરિણામે ગાયોનું મૃત્યુ પણ થતું હોય છે. લોકો ગાય માતાને અખાદ્ય પદાર્થો ન આપે અને ખાસ કરીને પ્લાસ્ટિકની બેગમાં ખોરાક ચોકમાં કે બહાર ન નાંખે તેવો પ્રશંસનીય ઉદ્દેશ્ય આ પ્રયાસ પાછળ રહેલો છે.
પ્રકૃતિ પ્રેમીઃ ભાયાવદરનો આ ફળદુ પરિવાર પ્રકૃતિ પ્રેમી છે. પશુ પક્ષીઓ માટે હંમેશા ઉમદા કાર્યો કરતો રહે છે. પક્ષીઓ માટે ચણની ડિશ તેમજ પાણીના પાત્રોનું અવારનવાર વિનામૂલ્યે વિતરણ કરે છે. તેમજ વિશ્વ ચકલી દિવસે પણ ફળદુ પરિવાર ખાસ આયોજનો કરતો જોવા મળે છે. જેમાં રુપિયા ઉજવણી મુખ્ય છે. ગાયોને સન્માન આપવા અને ગાય પ્રત્યે જાગૃતિ લોકોમાં ફેલાય તે હેતુથી આ પરિવારે ગાયોના ગળામાં ડેકોરેટિવ બેલ્ટ્સ પહેરાવ્યા છે.
ગોપાષ્ટમીના દિવસે ગાયોને સુંદર આભૂષણો પહેરાવી અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. ઘણીવાર ગાયો વધેલા ખાવાની સાથે નાંખવામાં આવતા ખીલા, બ્લેડ કે કાચને પણ ખાઈ જાય છે. જે તેના પેટમાં રોગ પેદા કરે છે જેના પરિણામે ગાયોનું મૃત્યુ પણ થતું હોય છે. લોકો ગાય માતાને અખાદ્ય પદાર્થો ન આપે અને ખાસ કરીને પ્લાસ્ટિકની બેગમાં ખોરાક ચોકમાં કે બહાર ન નાંખે તેવો સંદેશ ફેલાવવા ગાયોના ગળે આ રીતે કોડી અને ઘંટડીથી શણગારેલા બેલ્ટ પહેરાવવામાં આવ્યા છે...નરેન્દ્ર ફળદુ(પ્રકૃતિ પ્રેમી, ભાયાવદર)