રાજકોટ : ઉપલેટા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે કમોસમી વરસાદ પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ પંથકમાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેતરમાં પડેલી જણસીઓ તેમજ ઊભા મોલમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતોનો આવ્યો છે.
મોઢે આવેલો કોળિયો છીનવાયો : રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર પંથકની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો તૈયાર કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના મોલની અંદર વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ઘઉં, ધાણા, ચણા, જીરું તેમજ તૈયાર થયેલો મોલ કે જે ખેતરોની અંદર પાથરા તેમજ ઉભા રાખવામાં આવ્યા હોય છે. તેના પર કમોસમી વરસાદ પડતા પલળી ગયો હોવાથી નુકસાન થયું છે.
ઢોલ, નગારા સાથે ખેડૂતો ખેતરમાં : મોટી પાનેલીમાં ગત દિવસોની અંદર પડેલા કમોસમી ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના ખેતરોની અંદર તૈયાર મોલને વ્યાપક નુકસાન થયું છે. આ નુકશાની થતાં કુદરતને પ્રાર્થના કરવા માટે મોટી પાનેલી ગામના ખેડૂતોએ પોતાના ખેતરની અંદર એકત્રિત થયા હતા. ત્યાં ખેડૂતોએ ઢોલ, નગારા અને મંજીરાના તાલે રામધૂન બોલાવી ભગવાન વરૂણદેવને પ્રાર્થના કરી હતી. ચોમાસા દરમિયાન તેમને થતી નુકસાની સહન નથી થતી, ત્યારે રવિ પાકના આ મોલમાં કમોસમી વરસાદથી તેમને અત્યંત નુકસાન થયેલું છે. જેથી આ ખેડૂતોએ પોતાના ખેતરમાં રામધૂન બોલાવી તેમના દ્વારા વરૂણદેવને રીઝવવા માટેનો અનોખો પ્રયાસ કર્યો છે.
ખેડૂતોની વ્યથા : આ અંગે ખેડૂતોને થયેલી નુકશાની અંગે ETV ભારત દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો છે. નુકશાની અંગે પોતાની વ્યથા ઠાલવતાં ખેડૂતોએ જણાવ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ પંથક આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને પશુપાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ખેતરમાં રહેલા ઘઉં ઢળી પડ્યા છે. જીરૂ, ધાણા અને ચણાનું વાવેતર કરેલા ખેડૂતોને મોલમાં નુકશાની થઈ છે. જ્યારે તેમને આ પાકને લણવાનો સામે આવ્યો તે જ સમયે વરસાદ પડતા તૈયાર મોલ પલડી ગયો અને નુકસાની હોવાનું જણાવે છે.
પશુઓ માટે ચિંતા : આ સાથે બીજી તરફ માલધારીઓ કે જેવો પોતાના પશુઓ માટે ઘાસચારો તેમજ પાલવ અને સૂકો ઘાસચારો એકત્રિત કરી રાખતા હોય છે. તેમના પણ ઘાસચારા અને પશુઓ માટે ખવડાવવાના ચારામાં વરસાદ પડતા તે પણ પલળી ગયો છે. તેથી તેઓને પણ પશુઓ માટે ઘાસચારાની શું વ્યવસ્થા કરવી તેને લઈને પણ ચિંતા સતાવી રહી છે.
આ પણ વાંચો : Unseasonal Rain : 80 હજાર ડુંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું, માવઠાની ખેડૂતને થપાટ
ખેડૂતોની માંગ : કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલી નુકસાની અંગે સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ જિલ્લા પંચાયતના મોટી પાનેલી બેઠકના સદસ્ય મીરા ભાલોડીયાએ તંત્રને પત્ર લખ્યો છે. તેમને જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં થયેલી ખેડૂતોની નુકસાની અંગે સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો : Unseasonal Rain: ભેજ-કમોસમી વરસાદથી આંબામાં જોવા મળી શકે રોગ, જાણો ઉપાય
માલ પર પાણી ફરી વળ્યું : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસે છે. આ વરસાદના કારણે રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી તેમજ ઉપલેટા તાલુકા વિસ્તારમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ગોંડલ અને જેતપુરમાં અચાનક કમોસમી વરસાદ આવતા માર્કેટિંગ યાર્ડના ખુલ્લા મેદાનમાં પડેલી ખેડૂતોની જણસીઓ પલળી ગઈ હોવાના પણ દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદ બાદ હાલ તો આ ખેડૂતો સરકાર પાસે નુકશાની અંગે તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરે છે. સરકાર પણ ખેડૂતોને થયેલા નુકસાન અંગે વહેલી તકે સર્વે કરાવી સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતોએ માંગ કરી છે.