રાજકોટઃ શહેરમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે ગણેશ ચતુર્થી તહેવારમાં વોકળા પર બનેલ વર્ષો જૂનો બ્રિજ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કૉંગ્રેસે કરી છે.
કૉંગ્રેસની માંગણીઃ રાજકોટ મહા નગર પાલિકાએ આ દુર્ઘટના બાદ અહીં નવો બ્રિજ બનશે તેવી જાહેરાત કરી છે. જો કે દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરી નથી. તેથી રાજકોટ કૉંગ્રેસ દ્વારા બે વાર કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી છે. જેની કોઈ અસર થઈ નહતી અને કોર્પોરેશને કોઈ એક્શન લીધું નહતું. તેથી આજે રાજકોટ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાનીમાં મોટી સંખ્યામાં નાગરિકો મનપાની કચેરીમાં રજૂઆત માટે આવ્યા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આ દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને કડક સજા થાય તેવી કૉંગ્રેસની માંગણી રજૂ કરી હતી. તેમજ ભાજપ પર આકરા વાકપ્રહાર પણ કર્યા હતા.
રાજકોટમાં ગણેશ ઉત્સવ દરમિયાન યાજ્ઞિક રોડ ઉપર પુલ તુટ્યો હતો. જેમાં 40 લોકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં અનેક ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું હતું. હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આ પ્રકારની ઘટનાને લઈને કૉંગ્રેસે કોર્પોરેશનને 2 વખત રજૂઆત કરી છે. છતા પણ જવાબદારો સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે અમે આજે ત્રીજી વખત રજૂઆત કરવા માટે આવ્યા છીએ...ઈન્દ્રનીલ રાજ્યગુરુ(પૂર્વ ધારાસભ્ય, રાજકોટ)
આ દુર્ઘટના મામલે હજુ કાર્યવાહી ચાલી રહી છે. અહીંના શિવમ કોમ્પલેક્ષના બાંધકામનો સ્ટ્રકચરલ ફિઝિબિલિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી શક્ય બનશે. આ રિપોર્ટ આવી ન જાય ત્યાં સુધી હાલ પૂરતી કોમ્પલેક્ષના દુકાનો પણ બંધ રાખવાનો મનપા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે...જયેશ ઠાકરે(સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, રાજકોટ મહા નગર પાલિકા)