રાજકોટઃ ગુજરાતમાં દારુબંધી છે. જો કે અવારનવાર દેશી તેમજ વિદેશી દારુ પકડાવાના સમાચાર પ્રસારિત થતા રહે છે. રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં અઢી કરોડથી વધુનો દારુ ઝડપાયો છે. રાજકોટ પોલીસે કુલ 615 કેસીસમાં 86000થી વધુ બોટલ્સ દારુ ઝડપી લીધો હતો. આજે રાજકોટ નજીક સોખડા ગામની સીમમાં આ દારુ પર બુલડોઝર ફેરવી દેવાયું.
કુલ 615 કેસીસઃ રાજકોટ શહેરના ઝોન 1 અને 1ના કુલ 12 પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 1 વર્ષમાં કુલ 615 કેસીસમાં દારુ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ઝોન 1માં દારુના કુલ 274 કેસીસમાં 45000 કરતા વધુ દેશી તેમજ વિદેશી દારુની બોટલ્સ જપ્ત કરવામાં આવી હતી. તેમજ ઝોન 2માં દારુના કુલ 261 કેસીસમાં 12000 કરતા વધુ દેશી તેમજ વિદેશી દારુની બોટલ્સ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારુના કુલ 80 કેસીસમાં 29000 કરતા વધુ વિદેશી દારુની બોટલ્સ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ દારુની કુલ કિંમત અઢી કરોડથી વધુ જેટલી થાય છે. જેને એકત્ર કરીને સોખડા ગામની સીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ચલાવી દેવાયું.
રાજકોટમાં દારુ આવે છે ક્યાંથી?: ગુજરાતમાં દારુબંધી છે, જો કે રાજકોટમાં વારંવાર દારુ પકડતા આ શહેરમાં દારુબંધી માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું જણાય છે. રાજકોટમાં ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ દારુ ઘુસાડવામાં આવે છે. જેમાં ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન અને ગુજરાતથી દૂર રહેલા હરિયાણમાંથી વધુ માત્રામાં દારુની ઘુસણખોરી બૂટલેગરો કરતા હોય છે. જો કે પોલીસ રાત દિવસ સતર્ક રહીને મોટાભાગના દારુને જપ્ત કરે છે, પણ તેમ છતાં અનેક બૂટલેગરો પોલીસની પહોંચથી હજૂ પણ દૂર છે. જેઓ રાજકોટમાં દારુનો ગેરકાયદેસર વેપલો કરે છે.
રાજકોટ શહેરના ઝોન 1 અને 1ના કુલ 12 પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ 615 કેસીસમાં 86000 કરતા વધુ દારુની બોટલ્સ જપ્ત કરવામાં આવી હતી. આ દારુની કુલ કિંમત અઢી કરોડથી વધુ જેટલી થવા જાય છે. આજે સોખડા ગામની સીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ચલાવી દેવાયું...સજ્જન સિંહ પરમાર(ડીસીપી, રાજકોટ)