રાજકોટ: ધોરાજીમાં આભ ફાટ્યું હોય તેમ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધોરાજીમાં ગણતરીની કલાકોમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો. જેમાં આ ધોધમાર વરસાદને કારણે ધોરાજી શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં કમર-કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા. વરસાદ બાદ કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હતી. વાલીઓએ પોતાના ખભે બેસાડી અને જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી બાળકોને પસાર કરી અભ્યાસ માટે મોકલ્યા હતા.
જીવના જોખમે બાળકોને અભ્યાસ: ધોરાજી શહેરના રામપરા વિસ્તારમાં રહેતા રણવીર ગાંગણીયાએ વાતચીતમાં જણાવ્યું છે કે ધોધમાર વરસાદના કારણે આ વિસ્તારના લોકોને દર વર્ષે અહીં આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. બાળકોને જીવના જોખમે આ રસ્તો પસાર કરાવી અને અભ્યાસ માટે મૂકવા તેમજ લેવા માટે જવું પડતું હોય છે. ઘણી વખત ધોધમાર વરસાદથી કોઝવે પર પાણીનો પ્રવાહ વધી જતા બાળકોને શાળાએ જ રોકી દેવા પડે છે. ક્યારેક સવારે શાળાએ જવાનું ઘણી વખત ટાળવું પડે છે.
અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં નહિ: સાથે જ તેમણે જણાવ્યું કે આ સમસ્યાને લઈને તેમના દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતું હોવાનું જણાવ્યું છે. ત્યારે આજે બાળકોને પોતાના ખભે બેસાડી પાણીના પ્રવાહમાંથી પસાર કરવા માટે મજબુર બન્યા છે ત્યારે તંત્ર અને સરકાર કોઈ મોટી અકસ્માતની ઘટના બને તે પહેલા જાગે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી: રાજકોટના ધોરાજીમાં પડેલા ગત દિવસ પડેલ ધોધમાર વરસાદથી શહેરની અંદર જાણે નદીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી હતી તો ટુવ્હીલર તેમજ ફોરવ્હીલર પાણીના પ્રવાહમાં ગરકાવ થતા બંધ પડી ગઈ હતી. આ સાથે બીજી તરફ ઘણી ગાડીઓને ધક્કા મારીને પાણીના પ્રવાહમાંથી પણ બહાર કાઢવામાં આવી રહી હતી.