રાજકોટઃ રાજકોટ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલા લાખો રૂપિયાના વિદેશી દારૂ પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. શહેરની ભોગોળે આવેલા સોખડા ગામ નજીક આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ વિદેશી કંપનીની અંદાજિત રૂપિયા 4 કરોડથી વધુની દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. રાજકોટમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપાયો હતો. જેને નાશ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
વિદેશી દારૂનો નાશ: રાજકોટ પોલીસ દ્વારા શહેરના ઝોન 1 વિસ્તારમાંથી 81397 વિદેશી દારૂ અને બિયરની બોટલો પકડી પાડવામાં આવી હતી. જ્યારે ઝોન 2 વિસ્તારમાંથી 16116 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી હતી. ક્રાઈમબ્રાન્ચ દ્વારા 42778 વિદેશી દારૂની ગેરકાયદેસર બોટલો પકડી પાડવામાં આવી હતી. આમ રાજકોટમાંથી અંદાજીત વિવિધ બ્રાન્ડનો રૂપિયા 4,94,35,879નો વિદેશી દારૂ ઝડપાયો હતો. જેનો આજે નાશ કરવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો Cyclofun Rajkot: 10 હજારથી વધુ સાયકલીસ્ટ એ પેડલ મારીને પરસેવો પાડ્યો
વધુ ટ્રક ઝડપાયા: જ્યારે રાજકોટમાં છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દારૂના ત્રણ જેટલા ટ્રક ઝડપાવવાની ઘટના પણ સામે આવી હતી. જ્યારે ગુજરાતમાં એક તરફ દારુબાંધી છે પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવી ઘટનાઓ રાજકોટમાં છાશવારે જોવા મળે છે. મોટા પ્રમાણમાં રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂ ઝડપાઈ રહ્યો છે. આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા રૂપિયા 4 કરોડથી વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો છે.