રાજકોટ : એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે. જ્યારે રંગીલા રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. રાજકોટ પોલીસ દ્વારા ગઈકાલે રાતે ચેકીંગ દરમિયાન 65 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. આ માત્ર ચાર જ કલાકમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સવાલ ઉભા થઇ રહ્યા છે કે, જો દૈનિક ચેકીંગ કરવામાં આવે તો માત્ર રાજકોટમાંથી જ કેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાય.
![દુકાનદારોનું ચેકિંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17868326_police.jpg)
શહેરમાં 9 સ્થળોએ કરાયું ચેકીંગ : રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવા માટે ગઈકાલે રાતના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી શહેરના 9 અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં 9 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી અને 100 કરતા વધુ પોલીસ કર્મીઓ તેમાં જોડાયા હતા. જેમાં નંબર પ્લેટ વિનાના વાહનો, ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો, કેફી પીણું પીધેલા વાહનચાલકો, બિનજરૂરી દુકાને બેસીને લોકોને હેરાન કરતા શખ્સો, ઇંડાની લારીએ બેસી રહેતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
![પોલીસનું કડક ચેકીંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17868326_police1.jpg)
65 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા : રાજકોટ પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન માત્ર ચાર કલાકમાં જ 65 જેટલા પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે બ્રેથ એનેલાયઝર વડે કુલ 179 લોકોને ચેક કરવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસ દ્વારા 45 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને 155 જેટલા લારી ગલ્લાઓ ચેકિંગ કરવામાં આવ્યા હતા. તેમજ 80 હજારથી વધુનો દંડ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Rajkot News : લગ્નમાં દારૂ પીતા પીતા લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી ધરપકડ
અસામાજિક તત્વો બન્યા બેફામ : ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને જાહેરમાં જ રસ્તો બંધ કરીને પોતાનો આતંક બતાવે છે. જ્યારે વાહનોમાં તોડફોડ પણ કરે છે અને રાહદારીઓ પર હુમલો કરે છે. જોકે પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવતા રાજકોટ પોલીસ એકશનમાં આવી હતી અને ગઈકાલે પોલીસ દ્વારા શહેરના અલગ અલગ નવ જેટલા સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 100 કરતાં વધારે પોલીસ કર્મીઓ કામગીરીમાં જોતરાયા હતા અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad Crime : પૂર્વ, પશ્ચિમ વિસ્તારમાં પોલીસે કર્યા દારૂનું કટિંગ સુપડા સાફ
અસામાજિક તત્વોનો ત્રાસ સામે પગલાં : આ મામલે રાજકોટના ACP દ્વારા ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવતા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પ્રોહિબિશનના કેસ, વાહનોમાં નંબર પ્લેટ સહિતના કેસ અને રાત્રી દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં બેસી રહેતા લોકો સામે કાર્યવાહી કરાઈ હતી.