રાજકોટ : સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમના ACP વિશાલ રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યત્વે તાજેતરમાં જ કેરળમાં જે બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેને પગલે ગુજરાત રાજ્યના DG દ્વારા રાજ્યભરની પોલીસને એલર્ટ રહેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જેને પગલે રાજકોટ પોલીસ દ્વારા જે વિસ્તારમાં વધારે લોકોની અવરજવર હોય છે સાથે સાથે સંવેદનશીલ વિસ્તાર હોય અને મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય આ પ્રકારની જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ સહિતની ઘટના બનાવવાની શક્યતા વધારે હોય છે.
રાજકોટમાં પોલિસને એલર્ટ કરવામાં આવી : ત્યારે રાજકોટમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ કરવાની સઘન સુચના આપવામાં આવી છે. તેમજ હાલમાં રાજકોટ પોલીસ દ્વારા વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે અને શંકાસ્પદ વ્યક્તિઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. જેના અનુસંધાને રાજકોટમાં ગઈકાલે જ કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં હજુ જો જરૂર જણાય તો આગામી દિવસોમાં વધુ પ્રમાણમાં કોમ્બિંગ નાઈટ અથવા સરપ્રાઈઝ ચેકિંગ રાજકોટ પોલીસે દ્વારા હાથ ધરવામાં આવશે.
શહેરમાં પણ અગાઉ આતંકવાદીઓ પકડાયા હતા : ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેરળ રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેને પગલે રાજકોટ પોલીસ પણ એલર્ટ થઈ છે. જ્યારે આ અગાઉ રાજકોટની સોની બજારમાંથી પણ અલકાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓ પણ ઝડપાયા હતા. ત્યારે આ પ્રકારની ઘટના વધુ એક વાર સામે ન આવે તેને લઈને રાજકોટ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.