રાજકોટઃ સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સૌથી મોટી જો સમસ્યા હોય તો તે પાણીની છે. જ્યારે દર વર્ષે ઉનાળો આવે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ મોટા પ્રમાણમાં સામે આવતી હોય છે. ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત છે. એવામાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે આજે શહેરના કાલાવડ રોડ નજીક આવેલા રૂડાના કવાર્ટર ખાતે મહિલાઓએ પાણી મામલે પોતાનો વિરોધ નોંધાયો હતો.
પાણીના ટાંકાને તાળા માર્યા હોવાના મહિલાઓના આક્ષેપ : રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા અવધ વિસ્તાર નજીક રૂડાની આવાસ યોજના આવેલી છે. આ આવાસ યોજનામાં છેલ્લા 15 દિવસથી પાણી નહીં આવતું હોવાનું સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે. જ્યારે વિસ્તારમાં તંત્ર દ્વારા પાણીના ટાંકામાં તાળા મારી દેવામાં આવ્યો હોવાનો પણ મહિલાઓએ જણાવ્યું છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. એવામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં અને શહેરની ભાગોળે પાણીની સમસ્યાઓનો પ્રશ્નો ઠેર ઠેર ઉદ્ભવી રહ્યો છે. ત્યારે આજે આઠ માળિયા ક્વાર્ટર ખાતે મહિલાઓએ પાણી મામલે ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો હતો.
આ પણ વાંચો Holi 2023: રાજકોટના ઓર્ગેનિક રંગની દેશના વિવિધ રાજ્યોમાં માંગ વધી, 10 રાજ્યોમાં થયો સપ્લાય
કવાર્ટરના પૈસા પરત કરવાની સ્થાનિકોની માંગ : આ મામલે રુડાની આવાસ યોજનાની સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે રૂડા દ્વારા જ્યારે આ આવાસોની સોંપણી કરવામાં આવી ત્યારથી જ અહીંયા પાણીની સમસ્યા હતી. જ્યારે અમે આવ્યા ત્યારે પણ આ જ સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ત્યારે અમારી માંગ છે કે અમે આ આવાસ પાછા આપી દેશું અમને અમારા પૈસા આપવામાં આવે. જ્યારે દર વર્ષે અમારે પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં અમને પૂરતું પાણી મળતું નથી અને પાણીના ટાંકા પર તાળું મારી દેવામાં આવ્યું છે. અહીંયા તમામ મધ્યમ વર્ગના લોકો રહે છે. પાણી ખરીદી ખરીદીને વાપરવું આર્થિક રીતે પોસાય એમ નથી. ત્યારે સત્તાધીશો અમારી ફરિયાદ સાંભળે અને ઉકેલ લાવી આપે.
આજીડેમમાં નર્મદાના નીર આવ્યા : આ તરફ પાણીની બૂમરાણ તો બીજીતરફ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર પણ આવેલા છે. જેમાં આજીડેમના હાલ સૌની યોજનાના પાણી મારફતે ભરવામાં આવી રહ્યો છે. જેના કારણે હાલમાં આજીડેમની સપાટી 25 ફૂટની આસપાસ પહોંચી છે. જ્યારે આજીડેમ ફૂલ થવામાં માત્ર એક જ ફૂટ દૂર છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આજીડેમ ભરાઈ જવાના કારણે રાજકોટ શહેરને દૈનિક મળતા 20 મિનિટ પાણીમાં જથ્થામાં કોઈ કાંપ સર્જાશે નહીં. જ્યારે આગામી દિવસોમાં ભાદર અને ન્યારી ડેમમાં પણ સૌની યોજનાનું પાણી મળે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકાર પાસે કરાઈ હતી માંગણી : આ મામલે ETV સાથેની વાતચીતમાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે રાજકોટના જળાશયોમાં પાણી પૂર્ણ થતાં આ મામલે રાજ્ય સરકાર પાસે સૌની યોજના મારફતે નર્મદાના નીરની માંગણી કરવામાં આવી હતી. જેને લઈને સરકાર દ્વારા આજી ડેમમાં નર્મદાના નીર આપવામાં આવ્યા છે. ત્યારે ટૂંક સમયમાં જ આજી ડેમ સંપૂર્ણ ભરાઈ જશે અને રાજકોટમાં આગામી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા પણ નહીં સર્જાય.