રાજકોટ: ઉપલેટા શહેર તેમજ આસપાસના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની અંદર સવારથી તડકો તેમજ ગરમીભર્યું વાતાવરણ હતું. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ધોધમાર વરસાદને કારણે ઉપલેટા શહેરની સ્વામીનારાયણ સોસાયટી વિસ્તારના રહેણાંક મકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરીને નુકશાની : આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે. આ સમસ્યાને લઈને તેમના દ્વારા અનેક વખત લેખિત, મૌખિક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ ફરિયાદો અને રજૂઆતો જાણે તંત્ર ધ્યાનમાં ન લેતું હોય તેમ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં અહિયા પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોની ઘરવખરીઓમાં અને ઘરમાં પાણી ઘુસી જવાથી તેમની અન્ય ચીજવસ્તુઓ સંપૂર્ણ નાશ પામી રહી છે.
સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું : સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, અહીંયા પ્રાથમિક સુવિધાઓને લઈને અગાઉ પણ મીડિયા સમક્ષ પોતાની વ્યથા અને રજૂઆતો તેમજ તેમની સમસ્યાઓ જણાવી છે. જેના કારણે તંત્ર પણ અહીંયા લોકોને આશ્વાસન આપવા માટે તેમજ તંત્ર કાર્યવાહી કરતી હોય તેવા આશ્વાસન આપી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પરંતુ આજદિન સુધી અહીંયા ઉદ્ભવતી સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું જેના કારણે ચોમાસા દરમિયાન અહીં વરસાદી પાણી ઘૂસી જાય છે અને લોકોની ઘરવખરીઓને નાશ થઈ રહ્યો છે.
તંત્ર પ્રત્યે રોષ : રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સ્વામીનારાયણ સોસાયટી વિસ્તારની અંદર રોડ, રસ્તાઓની તેમજ અહિયાની પ્રાથમિક સુવિધાઓની રાવ તેમજ ફરિયાદો છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો લેખિત અને મૌખિક રીતે કરી રહ્યા છે. પરંતુ તંત્ર જાણે નિભર હોય તેમજ કાર્યવાહી ન કરતું હોય તેના કારણે અહીંયાના સ્થાનિક લોકોને ચોમાસા દરમિયાન ઘરમાં પાણી ઘૂસી જવાનું તેમજ ઘરવખરીને નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે અને તંત્ર દ્વારા વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ લાવી અને લોકોના ઘરોમાં પાણી ના ઘૂસે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી દે તેવી પણ માંગ કરી છે.