રાજકોટઃ રાજકોટ શહેરની ગણના હવે સ્માર્ટ સિટીમાં થાય છે. એવામાં રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તારમાં પણ દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. આ ટ્રાફિકની સમસ્યામાંથી રાજકોટવાસીઓ મુક્તિ મળે તેની વાટ જોઈ રહ્યા છે. એવામાં રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર છે. જેમાં શહેરની મધ્યમાં આવેલ દસ્તુર માર્ગ પર અન્ડર બ્રિજ બનાવામાં આવશે. આ માટે રેલવે વિભાગની પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે અનેે ટૂંક સમયમાં જ આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે.
કેટલો ખર્ચ થશે : રાજકોટ મહાનગરપાલિકા આ બ્રિજ બનાવવા માટે રેલવે તંત્રને રૂ.2.80 કરોડ રુપિયા ચૂકવશે. આ અંગે વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેમાં રૂ.2.80 કરોડની અંદાજીત ખર્ચની રકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગને ચુકવવાની રહેશે અને બ્રિજનું નિર્માણ કરી શરૂ કરવામાં આવશે. આ કામ અંતર્ગત 2.5 મીટર ઉંચાઇ, 4-4 મીટરના બે ગાળા અને 18 મીટર લંબાઇ ધરાવતો અન્ડરપાસ એ.વી.પી.ટી. દિવાલ દસ્તુર માર્ગની સામે હયાત એસ્ટ્રોન નાલા પાસે બનાવવામાં આવશે.
રસ્તો પહોળો થશે : આ સાથે જ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજની હોસ્ટેલ તરફની દિવાલ કાઢી, રસ્તો પણ પહોળો કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગેનુ આયોજન કરી રેલવે વિભાગની મંજૂરી માંગવામાં આવી હતી. જેમાં જરૂરી પ્રશ્નોની ચર્ચા અને સંકલન માટે મનપા અને રેલવે તંત્રની સંયુક્ત બેઠક પણ મળી હતી. ત્યારબાદ મનપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયાસોથી રેલવે વિભાગ દ્વારા ઉક્ત પ્રોજેક્ટને પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે.
ટ્રાફિકની સમસ્યા હળવી થશે : રાજકોટના દસ્તુર માર્ગની વાત કરવામાં આવે તો તે શહેરના યાજ્ઞિક રોડ અને હેમગઢવી માર્ગને જોડતો રોડ છે. જ્યાં રાત્રીના સમયે ખાણીપીણી બજાર પણ ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે. એવામાં વિસ્તારમાં ટ્રાફિક જામની પણ સમસ્યા રહે છે. આ સાથે જ અહીંયા જે અન્ડર બ્રિજ હાલ છે તે નાનું અને સાંકડુ છે જેના કારણે અહીંયા પણ ટ્રાફિક જામની સમસ્યા કાયમ રહે છે જે હળવી થશે.
આ પણ વાંચો Rajkot Water Crises: પાંચ ગામોને 5 કરોડનો ખર્ચ કરી પાણીના ટેન્કરથી વિતરણ કરાશે
વરસાદી પાણી નિકાલ : ચોમાસા દરમિયાન અન્ડર બ્રિજમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાય છે. જેના કારણે વાહનચાલકો અને વિસ્તારવાસીઓ દર વર્ષે મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે હવે અહીંયા અન્ડર બ્રિજ બનવાના કારણે મુખ્યત્વે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને દસ્તુર માર્ગ પર પણ ખાણીપીણીની બજારમાં પણ સહેલાણીઓને જગ્યા મળી રહેશે.