રાજકોટ : રાજ્યમાં ભરતી કૌભાંડ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા. એવામાં વધુ એક ભરતી કૌભાંડ થયું હોવાનું રાજકોટના બિલ્ડર એવા વિજયસિંહ ઝાલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. મોરબીમાં પાણી પુરવઠા વિભાગની પેટા કચેરીમાં ભરતી કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં બે લોકોની ગેરકાયદે ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ અગ્રણી બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે.
આરટીઆઈમાં સામે આવ્યું કૌભાંડ :બિલ્ડર વિજયસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે કે મોરબીમાં પાણી પુરવઠા વિભાગની પેટા કચેરીમાં આ બંને અરજદારોને જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવ્યા છે. જેમાં પાર્થ રાઠોડ અને જયદીપ પોપટ નામના અરજદારોનો સમાવેશ થાય છે. બિલ્ડર વિજયસિંહને પાણી પુરવઠા વિભાગમાં ગેરકાયદે રીતે ભરતી કરવામાં આવી હોવાનો નનામી લેટર આવ્યો હતો. ત્યારબાદ વિજયસિંહે આ મામલે આરટીઆઈ કરી હતી અને જેમાં આ બંને ઉમેદવારોની ગેરકાયદે ભરતી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ એક વખત ભરતી કૌભાંડ સામે આવ્યા બાદ ચકચાર મચી છે.
મારી ઓફિસમાં એક નનામી લેટર આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે બે અરજદારોની ભરતી કરવામાં આવી છે. જેના આધારે મેં મોરબી પાણી પુરવઠા વિભાગની કચેરીમાં આ ઘટના અંગેની માહિતી માંગી હતી. જે માહિતીમાં સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે 14-6-2021 અને 22-7-2021ના રોજ પાર્થ રાઠોડ અને જયદીપ પોપટ નામના બે વ્યક્તિઓની ભરતી કરવામાં આવી હતી. 13-9-2021ના રોજ મનસુખ પરમાર નામના વ્યક્તિએ રાજકોટ પાણી પુરવઠા વિભાગની કચેરીમાં નનામો પત્ર લખવામાં આવે છે. ત્યારબાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવે છે અને 30- 9-2021ના રોજ આ મામલે વિષ્ણુપ્રસાદ દેરાસર નામનો એક રોજમદાર કબૂલાતનામું આપે છે કે મેં મારા આર્થિક લાભ માટે આ લોકોની ભરતી કરી છે...વિજયસિંહ ઝાલા (બિલ્ડર )
રોજમદાર દ્વારા ભરતી કૌભાંડ : આ મામલે બિલ્ડર વિજયસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે પાણી પુરવઠાની ઓફિસમાં જ કામ કરતા રોજમદાર દ્વારા કબૂલાતનામું આપવામાં આવ્યું છે કે આર્થિક લાભ માટે તેણો બે લોકોની ભરતી કરી છે. પરંતુ હજુ પણ પોતે રોજમદાર તરીકે જ ફરજ બજાવી રહ્યો છે. ત્યારે આ રોજમદારને બચાવવા પાછળ તેના ઉપરી અધિકારીઓની ભૂમિકા હોવાનું લાગી રહ્યું છે.
ઉપરી અધિકારીઓની ભૂમિકા : તેમણે વધુમાં આક્ષેપ કર્યાં હતાં કેે આ રોજમદાર ઉપરી અધિકારીઓનો વહીવટકર્તા પણ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા વિભાગમાં બે લોકોની ભરતી કરવામાં આવી છે અને આ મામલે ઓફિસમાં જ કામ કરતા રોજમદાર દ્વારા કબૂલાતનામું પણ આપવામાં આવ્યું છે કે તેના દ્વારા જ આર્થિક લાભ લેવા માટે આ ભરતી કરવામાં આવી હતી. તેમ છતાં હજુ આ મામલામાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યાં નથી. જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.