રાજકોટ : આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવનાર છે. ત્યારે દેશભરમાં રક્ષાબંધનના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે રાજકોટના સદર બજાર વિસ્તારમાં આવેલી લાલ બહાદુર કન્યા વિદ્યાલય દ્વારા આ વર્ષે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં લાલ બહાદુર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દેશની સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિકોને 1111 રાખડીઓ મોકલશે. તેમજ સરહદ ઉપર રહીને દેશના લોકોની રક્ષા કરતા જવાનોની લાંબી આયુષ્ય માટે આ બહેનો પ્રાર્થના કરશે.
રક્ષાબંધન નિમિત્તે અમે દર વર્ષે દેશના જવાનોને રક્ષા સૂત્ર મોકલીએ છીએ. ત્યારે આ વખતે પણ અમારી શાળાની 500 કરતા વધારે દીકરીઓએ 1111 પોતાને હાથે રાખડી બનાવીને દેશના જવાનોને મોકલનાર છે. રાખડી સાથે સાથે તમામ બહેનોએ એક પત્ર પણ આ વીર જવાનોને લખ્યો છે. આપણા દેશના જવાનો આપણી રક્ષા માટે પોતાના પરિવારથી દૂર બોર્ડર ઉપર રહીને આપણી રક્ષા કરતા હોય છે. ત્યારે અમે રક્ષા સૂત્રના માધ્યમથી આ દેશના જવાનોની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન અમે છેલ્લા પાંચ વર્ષથી અમારી શાળામાં કરીએ છીએ... ભરતસિંહ પરમાર(આચાર્ય,લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય)
વિદ્યાર્થિનીઓએ રાખડીઓ હાથે જ તૈયાર કરી: આ અંગે લાલ બહાદુર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની હીર ગુંદીગરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અહીંયા ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં દર વર્ષે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવે છે. તેમાં અમે દર વર્ષે પોતાના હાથે બનાવેલી રાખડીઓ દેશના વીર જવાનોને સરહદ ઉપર મોકલીએ છીએ.
અમે વીર જવાનોને એક પત્ર પણ મોકલીએ છીએ. જેમાં અમે લખીએ છીએ કે અમારા દેશના વીર જવાનો માટે અમને હર હંમેશા તમારા પર ગર્વ રહેશે અમે જ તમારી બહેનો છીએ. હંમેશા તેઓ સરહદ પર સલામત રહે તેવી ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ...હીર ગુંદીગરા(વિદ્યાર્થિની)
રક્ષાબંધનના આગલા દિવસે પહોંચી જશે રાખડીઓ: ઉલ્લેખનીય છે કે આ રાખડીઓ રક્ષાબંધનના એક દિવસ અગાઉ જ દેશના અલગ અલગ સરહદ ઉપર પોસ્ટ વિભાગો દ્વારા પહોંચાડવામાં આવે છે. તેમજ આ રાખડીઓ મળ્યા બાદ જે તે સરહદ ઉપરથી દેશના જવાનો દ્વારા બહેનોને વિડીયો મેસેજ પણ મોકલવામાં આવતો હોય છે.