રાજકોટ : રાજકોટ શહેરની વિકાસની સાથે તેની વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં શહેરમાં દરરોજ ટ્રાફિકની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હળવી થાય તે માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ છે. ત્યારે રાજકોટના મોટા મૌવા ખાતે નિર્માણ પામી રહેલા બ્રિજમાં પીલરના કોંક્રીટના સેમ્પલ ફેઇલ જાહેર થયા છે.
રાજકોટ કોર્પોરેશનનો આદેશ : બ્રિજમાં કોંક્રીટના સેમ્પલ ફેઇલ જાહેર થવાને લઇને રાજકોટ કોર્પોરેશન દ્વારા આ બ્રિજના ચાર પીલર અને એક દિવાલને તોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ આ ચાર પીલર તોડીને તેને ફરીથી બનાવવા માટેની બ્રિજનું કામ કરતી એજન્સીને સૂચના પણ આપવામાં આવી છે.
કોંક્રિટના સેમ્પલ બેવાર લેવામાં આવ્યા હતાં : આ મામલે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાંધકામ અને ડામર સહિતના જે પણ કામો થતા હોય છે. ત્યારે તેમાં ઉપયોગમાં લેવામાં આવતા મટિરિયલનું ટેસ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે. જેમાં કોઈ મટીરીયલ બનતું હોય તો એ મટીરીયલ બન્યા પહેલા તેનું સેમ્પલ લેવામાં આવતું હોય છે.
મોટા મૌવા ખાતે નિર્માણ પામેલા બ્રિજની બાબતમાં સામે આવ્યું છે કે અહીંયા જે પીલરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે આ પીલર નિર્માણના સાત દિવસ પછી તેની મજબૂતાઈ કેટલી છે તે અંગેનું સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ 28 દિવસ પછી આ કામનું ફાઈનલ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. જ્યારે કોર્પોરેશન દ્વારા આ બ્ર્જના 7 દિવસે અને 28 દિવસે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં તે ફેઈલ જાહેર થયા છે....ડો. પ્રદીપ ડવ(મેયર)
ચાર પીલર અને દીવાલને તોડી પડાશે : મેયરે વધુમાં જણાવ્યું હતું કે મોટા મૌવા બ્રિજના ચાર પીલરના સેમ્પલ ફેલ જાહેર થયા છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ચારેય પીલરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બ્રિજ બનાવનાર એજન્સીને પણ સૂચના આપવામાં આવી છે કે આ એક ગંભીર પ્રકારની ઘટના છે. તેમજ આ પીલર બનાવવા માટે જે પણ કંઈ ખર્ચ કરવામાં આવ્યો છે તે તમામ ખર્ચ હવે બ્રિજ બનાવનાર એજન્સીને ભોગવવાનો છે.
તાત્કાલિક કાર્યવાહી : ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવડ રોડ પર આ બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. એવામાં બ્રિજના પીલર બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારે પીલરના કોંક્રીટના સેમ્પલ ફેઇલ જાહેર થયા હતા. જેને લઈને કોર્પોરેશન દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.