રાજકોટ : ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોકમાં વર્ષો જુના વોકળા ઉપર બાંધવામાં આવેલો સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 30થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ મામલે તે સમયે કોર્પોરેશન તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. એવામાં કોર્પોરેશન હજુ સુધી દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
કમિશનરનો ઘેરાવ કરવાનો પ્રયાસ : આ બાબતને લઈને આજે રાજકોટ કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને મનપા કમિશનરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગી કાર્યકર્તાઓ જેવા જ કચેરીમાં પહોંચ્યા અને સૂત્રોચાર કર્યા હતા તે દરમિયાન પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
કોંગ્રેસે જવાબદારો સામે કાર્યવાહી કરવા માગણી કરી : સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરના સર્વેશ્વર ચોકમાં જે પ્રકારે દુર્ઘટના બની ત્યારબાદ મનપા દ્વારા જે પ્રકારના પગલાં લેવા જોઈએ તે લેવામાં આવ્યા નથી.
આ ઘટનામાં મનપાના એન્જિનિયર, પર્યાવરણ એન્જિનિયર અને ટીપી શાખાના અધિકારીઓ સીધી રીતના જવાબદાર છે. આ સાથે સ્થળ ઉપર જે બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે આ બિલ્ડિંગની નીચે આવેલા વોકળા ઉપર સ્લેબ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જગ્યા જે તે સમયે કોર્પોરેશનના કયા પદાઅધિકારી દ્વારા આપવામાં આવી હતી તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી જોઈએ...અશોકસિંહ વાઘેલા ( રાજકોટ કોંગ્રેસના નેતા )
તમામ કાર્યકર્તાઓની કરાઇ અટકાયત : અશોકસિંહે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલાની વિગતો જાહેર કરવા માટેની અનેક વખત કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ અંગે મનપા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેનો જવાબ માંગવા માટે આજે અમે કમિશનર પાસે આવ્યા હતાં. પરંતુ મનપા કમિશનર દ્વારા પોતાની ઓફિસ ખાતે પોલીસને બોલાવી હતી. જેના કારણે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
સ્ટ્રકચરલ ફિઝિબિલિટી રિપોર્ટની રાહ : ઉલ્લેખનીય છે કે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે ઘટનામાં શિવમ કોમ્પલેક્ષનો સ્ટ્રકચરલ ફિઝિબિલિટી રિપોર્ટ જ્યારે આવશે ત્યારબાદ જ આ મામલે વધુ કાર્યવાહી થઈ શકે છે.
- Rajkot Crime News: સર્વેશ્વર ચોક ખાતે તુટી પડેલ બ્રિજની નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરોઃ કૉંગ્રેસ
- Drain slab broken in Rajkot : રાજકોટમાં સર્વેશ્વર ચોક પાસે ગટર પરનો સ્લેબ તૂટ્યો, મહિલાનું થયું મોત અનેક લોકો ઇજાગ્રસ્ત
- Rajkot Slab Collapse : રાજકોટમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થવાના મામલે રાજકારણ ગરમાયું