રાજકોટ : યાત્રાધામ વીરપુરમાં બસસ્ટેન્ડથી મંદિરને જોડતો 60 લાખના ખર્ચે સિમેન્ટ રોડ બની રહ્યો છે. જેમાં આ સિમેન્ટ રોડ વરસાદ ચાલુ હોવા છતાં રોડ પર સિમેન્ટ કોંક્રેટનો માલ પાથરવામાં આવી રહ્યો હતો ત્યારે ચાલુ વરસાદે રોડ બને તો તેની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થયા છે ? જેથી સ્થાનિકોએ આ ધોવાય ગયેલ રોડ ફરી બનાવવા માંગ કરી છે.
20 વર્ષ પછી અહીં રોડ બની રહ્યો છે જેમાં પેલાંથી જ સિમેન્ટ ઓછી નાખવામાં તો આવી જ રહી છે. ઉપરથી ચાલુ વરસાદે રોડનું કામ ચાલુ હોવાથી સિમેન્ટ, કોંક્રેટ તેમજ રેતીના મટીરીયલ્સમાં બધી સિમેન્ટ ધોવાઈને વહી જતી જોવા મળતી છે. વરસાદ રહી ગયા બાદ રોડ ધોવાય ગયેલ નજરે પડતો હોવાનું જણાવી અને હવે રોડ કેવો બનશે તેવા સવાલ ઉઠાવ્યા હતાં. થોડા સમયમાં જ રોડ પેલા હતો તેવો ખાડા ખબડાવાળો થઈ જશે અને નવા રોડ માટે ફરી વીસ વર્ષનો ઈંતઝાર કરવો પડશે તેવા નિસાસા યાત્રાળુઓ, સ્થાનિકો નાખી રાખ્યા છે... સ્થાનિકો
ચાલુ વરસાદે વિકાસ : બે છાંટા વરસાદના પડે તે સાથે રોડ તૂટી જવા તે વાત સામાન્ય બની ગઈ છે. કેમ કે રોડ પેલાંથી જ નબળી ગુણવત્તાનો ભ્રષ્ટાચાર યુક્ત હોય છે. યાત્રાધામ વીરપુરમાં પણ રોડના કામમાં કંઈક આવું જ જોવા મળ્યું છે. વીરપુરમાં બસસ્ટેન્ડથી મુખ્ય મંદિર સુધીનો 60 લાખના ખર્ચે સિમેન્ટ રોડ બની રહ્યો છે. આ સિમેન્ટ રોડનું કામ ચાલુ વરસાદે પણ ચાલુ જ હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયા "ચાલુ વરસાદે વિકાસ" તેવા સ્લોગન હેઠળ વાયરલ થયો છે.
આ પ્રકારની કામગીરી અમે ચલાવી લેતા નથી અને એ બાબતે અમો કાર્યવાહી કરાવશું...ભૂપત બોદર, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ
મકાન વિભાગના ઈજનેરની પ્રતિક્રિયા : આ સાથે માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા જણાવાયું કે ચાલુ વરસાદે જે કામ થયું છે તે બાબતે તેઓ સ્થળ પર તપાસ કરવા માટે આવવાના છે અને રૂબરૂ આવ્યા બાદ ચોમાસામાં સિમેન્ટ રોડના કામો બંધ હોય છે છતાં પણ આ બાબતે તેમણે ટેલિફોનિક જણાવ્યું છે કે, ચાલુ વરસાદે જે રસ્તાનું કામ કરવામાં આવ્યું છે તે હકીકત છે અને આ બાબતે તેમણે એવું પણ જણાવ્યું છે કે, અમો આ બાબતનો રિપોર્ટ સરકારમાં પણ મોકલશું.
હાલ અમો અત્યારે કોઈ રોડ બનાવતા નથી. અમારા જિલ્લા પંચાયત હસ્તકના તમામ રસ્તાના કામો અમારા ચાલુ નથી. ઉપરાંત આ રસ્તા બાબતે અમારે પણ તપાસ કરાવવું પડે કે આ રસ્તો કોના હસ્તકનો છે અને કઈ રીતે કામ ચાલે છે.. દેવ ચૌધરી(રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી)
જવાબદારીમાંથી છટકવાનો દાવ : જિલ્લા વિકાસ અધિકારી આવું કહી જવાબદારીમાંથી છટકી રહ્યા હોય અથવા તો આ મામલાને રફેદફે કરવાની તવાઈ કરવામાં આવી રહી હોય તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. યાત્રાધામ વિરપુરમાં થોડા દિવસ પૂર્વે જ સ્થાનિક ધારાસભ્યને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ રોડનું ખાતમુરત કર્યું છે પરંતુ ખાતમુરત થયા બાદ અહીંયા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રસ્તાના કામની અંદર લોટ પાણીને લાકડા થતા હોય તેમ રસ્તાનું સંપૂર્ણ નબળું કામ થઈ રહ્યું છે. અહીંયા કોઈપણ જાતની સરકારી દેખરેખ નથી રાખવામાં આવતી તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે ત્યારે આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો છે તો કે તમામ લોકોએ આ અંગે પૂરી માહિતી ન હોય તેવા જવાબો આપ્યા છે.
ઊંડાણપૂર્વક તપાસ થાય તો કૌભાંડ ખુલે : યાત્રાધામ વિરપુર જલારામમાં ચાલુ વરસાદે થયેલા રસ્તાના કામ અને આ રસ્તાના કામમાં સિમેન્ટ રોડનું કામ ધોવાણ થઈ રહ્યું છે તો પ્રજાના પૈસાના બનતા રોડની ભ્રષ્ટાચારની કામગીરી અંગે ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચે સુધીના તમામની તપાસ થાય છે કે પછી મામલો રફેદફે કરવા માટેના ધમપછાળા શરૂ કરવામાં આવે છે તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીંયાના રસ્તા બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી અને કાયદેસરની માહિતીઓ, રિપોર્ટ કરીને ગેરી રિપોર્ટ મેળવવામાં આવે તો મોટું કૌભાંડ અને કંઈક અજુગતું ચોક્કસપણે ખુલે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.