રાજકોટ: ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ત્રણ દિવસ પૂર્વે રાત્રિના એક મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં આ ઘટનાની અંદર એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર અને વધુ ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલ પણ તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ એક પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પરંતુ આ પોલીસ ફરિયાદની અંદર ફરિયાદીની રજૂઆત મુજબ પોલીસ ફરિયાદ નથી દાખલ કરવામાં આવી તેવી પણ બાબત સામે આવી છે તેવું ખુદ ફરિયાદી જણાવે છે.
સ્થાનિક અને જિલ્લા પોલીસની ઢીલી નીતિ: હાલ મેરવદર ગામમાં બુટલેગરોના ત્રાસના કારણે અને સ્થાનિક અને જિલ્લા પોલીસની ઢીલી નીતિની ખુલ્લી રાવ સાથે ગામ ત્રણ દિવસથી ચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી પોલીસ દ્વારા યોગ્ય અને ન્યાય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ગામ હજુ પણ બંધ રાખવામાં આવશે તેવી પણ ચીમકી ગ્રામજનો અને સરપંચ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ગામ અચોક્કસ મુદત માટે બંધ: આ અંગે મેરવદર ગામના સરપંચ મનસુખભાઈ કથીરીયાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનાની અંદર તેમને મારામારી અંગેની જાણ થઈ હતી. જે બાદ મારામારીનો બનાવ બુટલેગરો દ્વારા અંજામ આપવામાં આવ્યો હોય અને આ ઘટનાની અંદર ત્રણ જેટલા વ્યક્તિઓ પર હુમલો થયો હતો. સમગ્ર બાબતે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી અને ગામ અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવશે તેવી લેખિત જાણ કરી છે. જેને લઈને ત્રણ દિવસથી ગામ સતત બંધ છે. બુટલેગરોને પોલીસ જ બઢાવો દેતી હોય તેવી ખુલ્લી રાવ અને ફરિયાદો કરવામાં આવી છે.
સરપંચ ઉપર પણ હુમલો: આ અંગે વધુમાં તેમને જણાવ્યું છે કે આ મામલે તેમને પણ અગાઉ સ્થાનિક ભાયાવદર પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી છે. જેમાં સ્થાનિક ભાયાવદર પોલીસમાં અને રાજકોટ જિલ્લા પોલીસવાળાને તેમના દ્વારા લેખિત રાવ કરવામાં આવી છે. ત્યારે અગાઉ ખુદ સરપંચ ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેવું પણ સરપંચે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેથી હાલ ગામ સમસ્ત બંધ છે અને ઘટનાને પગલે જિલ્લાના અધિકારીઓને રેલો આવતા તેઓ ગામની મુલાકાતે આવી રહ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.
તંત્ર અને સ્થાનિક પોલીસ સાથે સાંઠગાંઠ: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દારૂ, જુગાર અને ખનીજની બે રોકટોક કામગીરી ચાલતી હોવાના અને કિસ્સાઓ, ફરિયાદો, રજૂઆતો અને રાવ હોવાની સામે આવી ચૂકી છે જેમાં ફરિયાદ કરનાર વ્યક્તિઓ ઉપર ભૂતકાળમાં પણ હુમલા થયા છે અને તાજેતરમાં જે હુમલો થયો છે તેમની અંદર એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે જેમાં સ્થાનિક તંત્ર અને સ્થાનિક પોલીસ સાંઠગાંઠ ધરાવતી હોવાના ખુલ્લામાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ગામમાં ચાલી રહી છે ચર્ચાઓ: ઉપલેટામાં ભૂતકાળની અંદર ઉપલેટા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉપર પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આ સાથે જ અગાઉ પણ અનેક લેખિત ફરિયાદો કરનાર વ્યક્તિઓ ઉપર હુમલાની ઘટનાઓ બની ચુકી છે. જેના કારણે સ્થાનિક પોલીસની ઢીલી નીતિ અને મીલીભગત હોવાની ખુલ્લી રાવ કરવામાં આવી રહી છે. ત્યારે આ ઘટનાની અંદર થોડા સમય સંપૂર્ણ શાંતિ રહેશે બાદમાં ફરી બધું શરૂ થઈ જશે તેવું પણ ગ્રામજનોની અંદર અને રાવ કરનારમાં ચર્ચાઈ રહી છે. ત્યારે હાલ અહીં ગાંધીનગરના અધિકારીઓની અથવા સ્ટેટ મોનિટરિંગની રેડ પડશે તો કેટલાય નીચલા અને ઉપલા અધિકારીઓના ભાંડાઓ અને રઝામંદી ચોકકસ પણે ખૂલે તેવું પણ ગ્રામજનોએ અને જાગૃત નાગરિકોએ જણાવ્યું છે.