રાજકોટ : આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવશે. જન્માષ્ટમીના તહેવારની રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાં અનોખી ઉજવણી થતી હોય છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી પડતી હોય છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
આ રીતે નામ પડ્યુંઃ રાજકોટમાં વર્ષ 2023 એટલે કે આ વર્ષે યોજાનાર લોકમેળાનું નામ રસરંગ રાખવામાં આવ્યું છે. આ માટે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ લોકો પાસે લોકમેળાના નામ માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જે માટે 252 જેટલી અરજીઓ વહીવટી તંત્રને મળી હતી. કલેકટર કચેરી ખાતે આ અંગે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સર્વાનુમતે લોકમેળાનું નામ રસરંગ જાહેર કરવામાં આવ્યું હતું.
આ વર્ષે રાજકોટમાં 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ લોકમેળો યોજાશે. લોકમેળાના નામ માટે રાજકોટ જિલ્લાના લોકોને સૂચન મોકલવા માટે જણાવ્યું હતું. જેમાં કુલ 252 જેટલા લોકોએ મેળાના નામ માટે સૂચન મોકલ્યા હતા. તેમાં વિપુલભાઈ સાંગાણીએ સૂચવેલા નામને જિલ્લા કલેકટર પ્રભાવ જોશીને પસંદ આવ્યું હતું. એક બેઠકમાં સર્વાનુમતે લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે.-- કે.જી. ચૌધરી (નાયબ કલેકટર અને લોકમેળા અમલીકરણ સમિતિ)
ટિકિટના ભાવઃ રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા લોકમેળા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકમેળા માટે આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકમેળાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે રાજકોટમાં યોજાનાર રસરંગ લોકમેળાના યાંત્રિક રાઇડ્સના પ્લોટના ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ગત વર્ષે જે નાની રાઇડ્સ હતી. તેના 20 રૂપિયા હતા. તેની ટિકિટના ભાવમાં વધારો કરીને 30 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે મોટી રાઇડ્સના જેના ટિકિટના ભાવ ₹30 હતા. તેમાં ભાવ વધારો કરીને 40 રૂપિયા કરવામાં આવ્યો છે.
મોંઘવારીનો પણ લાભ : રાઇડ્સના દરમાં થયેલા ભાવ વધારાને કારણે રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઈટ્સના માલિકોને પણ આર્થિક લાભ થઈ શકે. જ્યારે આગામી દિવસોમાં લોકમેળાના અલગ-અલગ સ્ટોલની હરાજી માટેના ફોર્મનું વિતરણ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં યોજાનાર 5 દિવસના લોકમેળામાં વહીવટી તંત્રને કરોડો રૂપિયાની આવક થતી હોય છે. ત્યારે આ વખતે પણ મોટા પ્રમાણમાં આવક થાય તે પ્રકારનું વહીવટી તંત્રનું આયોજન છે.