રાજકોટઃ 31મી ડિસેમ્બર પહેલા રાજકોટ એલસીબીએ 299 દારુની પેટીઓ ઝડપી લીધી છે. ગોંડલ તાલુકામાંથી પકડાયેલ દારુ સાથે એલસીબીએ 1 આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનામાં સામેલ એવા 2 આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એલસીબીએ આ ગુનામાં કુલ 15.81 લાખનો દારુ ઝડપી લીધો છે.
સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોંડલ તાલુકામાં દારુ અંગે બાતમી મળી હતી. જેમાં ગોંડલના ગુંદાસરા ગામે એક્તા ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આવેલ ગોડાઉનમાં દારુની હેરફેરની જાણકારી સામેલ હતી. આ ગોડાઉનમાં દારુનું કટિંગ અને વાહનોમાં હેરફેર થતી હોવાની માહિતી પોલીસને મળતા જ પોલીસે આ સ્થળે રેડ કરી હતી. રેડ દરમિયાન રાજકોટ એલસીબીને ભારતીય બનાવટના વિદેશી દારુની કુલ 3,588 બોટલ્સ મળી આવી હતી. આ બોટલ્સના કુલ 299 બોક્ષીસ પોલીસે જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પોલીસને એક મહિન્દ્રા બોલેરો પીક અપ પણ મળી આવી છે. આમ, કુલ 15.81 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો છે. આ ગુનામાં ઘટના સ્થળેથી પોલીસે પ્રેમકુમાર નામના 1 આરોપીને પકડ્યો છે જ્યારે બીજા 2 આરોપીઓ ફિરોજ મેણુ અને ધવલ સાવલિયાને જબ્બે કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.
LCB શાખાની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે એકતા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં વાહનોમાં દારૂની હેરફેર કરતી પ્રવૃત્તિ ચાલી રહી હોય જે અંગેની માહિતી મળતા પોલીસે રેડ કરી એક વ્યક્તિને ઝડપી લીધો છે જ્યારે અન્ય બે વ્યક્તિને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે...વિજય ઓડેદરા(પીઆઈ, રાજકોટ રુરલ એલસીબી)