રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં જમીન માપણી કરી છે. ત્યારથી જ આ જમીન માપણી મામલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવામાં આજે રાજકોટના જામનગર રોડ પર આવેલી જમીન માપણી નાયબ નિયામકને રજૂઆત કરવા માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો કોંગ્રેસ નેતા પાલ આંબલીયાની આગેવાનીમાં આવી પહોંચ્યા હતા. તેમજ જમીન માપણી રદ કરવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે પાલ આંબલીયા સર્વે ભવનમાં ધરણા પર બેસતા નાયબ નિયામક પણ તેમની સાથે જમીન પર બેસી ગયા હતા અને ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી.
જમીન અંગેના પ્રશ્નો બાબતે વર્ષ 2016-2017થી અમે સતત લડી રહ્યા છીએ. જ્યારે આ મામલે સરકારે સાત વખત મુદ્દતમાં વધારો કર્યો છે, પરંતુ જેમ માપણી સીટના આધારે કરવામાં આવી છે. જેનો કોઈપણ પ્રકારનો નિકાલ નથી. તેમજ આ જમીન માપણી જ્યાં સુધી રદ ન થાય ત્યાં સુધી તેનો કોઈપણ પ્રકારનો વિકલ્પ જ નથી. જ્યારે આ વસ્તુ સર્વેયરથી લઈને સેટલમેન્ટ કમિશનર સુધી તમામ લોકોને ખબર છે. અમે આ મામલે ત્રણ ચાર દિવસ પહેલા જ સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમ અંગેની જાહેરાત કરી હતી. જ્યારે આ કાર્યક્રમની જાહેરાતને જોઈને સૌરાષ્ટ્ર કચ્છના તમામ ખેડૂતો અહીંયા રજૂઆત માટે દોડી આવ્યા છે. ત્યારે આ ખેડૂતોની રજૂઆતમાં સામે આવ્યું છે કે, 10 ગુઠાથી લઈને અંદાજિત 4 હેક્ટર સુધીની જમીન આ સ્વરવે બાદ ગાયબ થઈ ગઈ છે. આ તમામ પુરાવાઓ સાથે ખેડૂતો અહીંયા રજૂઆત માટે આવ્યા છે. - પાલ આંબલિયા (કોંગ્રેસના કિસાન સંઘના નેતા)
જમીન માપણીમાં કેટલીક ક્ષતિઓ : તો બીજી તરફ આ મામલે રાજકોટ સર્વેયર ભવનના જમીન દફતરીના નાયબ નિયામક આર.કે. ગાંધીએ જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો સાથે કોંગ્રેસના નેતા પાલ આંબલીયા રજૂઆત માટે આવ્યા છે, ત્યારે રીસર્વે દરમિયાન જે નવી માપણી થઈ છે. તેમાં એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપીને માપણી કરાવી હતી. આ સમય દરમિયાન માપણી સ્થળે ખાતેદારો હાજર ન રહેવાના કારણે માપણીમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ છે. જેના કારણે સરકાર દ્વારા રીસર્વે ક્ષતિ સુધારણા કાર્યક્રમ પણ અમલમાં મૂક્યો છે. જેને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તારીખ મુજબ આ કાર્યક્રમ યોજવામાં આવશે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2023 સુધીમાં અમારી પાસે જેટલી પણ આ પ્રકારની અરજીઓ આવી હશે તેનો અમે નિકાલ કરી દેશું.