રાજકોટ : તાજેતરમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની રાજસ્થાનમાં હત્યા કરવામાં આવી છે. આ મામલે દેશભરમાં ઠેર ઠેર રાષ્ટ્રીય કરણી સેનાના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં રાષ્ટ્રીય કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપરાંત સુખદેવસિંહના હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
સુખદેવસિંહની હત્યાના પડઘા પડ્યા : આ અંગે રાષ્ટ્રીય કરણી સેનાના રાજકોટ જિલ્લા અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા કરવામાં આવી છે. ત્યારે તેમની હત્યા કરનાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને ફાંસીની સજા કરવામાં આવે તે માટે અમે રાજકોટ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં આ પ્રકારના બનાવ ન બને તેના માટે કરણી સેના પણ સતર્ક રહેશે.
હાલ અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ. પરંતુ જો સરકાર આ મામલે કોઇ કડક કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય કરણી સેના દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. -- ભુપેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ જિલ્લા અધ્યક્ષ, કરણી સેના)
કરણી સેનાની માંગ : ભુપેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, સુખદેવસિંહની હત્યા કરવામાં આવી છે. જેને લઈને દેશભરમાં રાષ્ટ્રીય કરણી સેનાના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, આ સાથે જો તેમના પરિવારમાં કોઈ સરકારી નોકરી માટેની લાયકાત ધરાવતા હોય તો તેમને સરકારી નોકરીનો પણ લાભ આપવામાં આવે તેવી અમારી માંગણી છે.
સુખદેવસિંહ હત્યા મામલો : ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનાના સીસીટીવી વીડીયો પણ સામે આવ્યા હતા. જેમાં બે વ્યક્તિ સુખદેવસિંહના ઘરમાં જ તેઓની ગોળી મારી હત્યા કરતા નજરે પડે છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા બાદ દેશભરમાં ઠેર ઠેર કરણી સેનાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે.