રાજકોટ: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસને ભારે ઝટકો લાગ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતના કોંગ્રેસના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું પદ પરથી રાજીનામું માંગી લેવામાં આવ્યું છે. રાજીનામા બાદ ખાટરિયા વિધિવત રીતે ભાજપમાં જોડાશે તેવી સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજકોટ કૉંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ઈટીવી ભારતે અર્જુન ખાટરિયા સાથે ખાસ વાતચિત કરી છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આક્ષેપઃ અર્જુન ખાટરિયા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેવો આક્ષેપ પણ તેમના પર કરવામાં આવી રહ્યો છે. આ મામલે અર્જુન ખાટરિયાનો દાવો છે કે મેં પક્ષ વિરોધી કાર્યવાહી કયારેય કરી નથી. ટૂંક સમયમાં આપણા સૌના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે આ બાબતની પ્રવૃત્તિ હોય તો તેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કહી શકાય તેવું અર્જુન ખાટરિયા માનતા નથી.
રામ મંદિરઃ અર્જુન ખાટરિયા રામ આપણા સૌના ઈષ્ટદેવ છે તેવું જણાવે છે. તેમણે રામ મંદિર મુદ્દે કોઈપણ પ્રકારનું રાજકારણ અયોગ્ય હોવાનું જણાવ્યું છે. જો કે રામ મંદિર મુદ્દે અર્જુન ખાટરિયા પાસેથી રાજીનામું માંગી લેવામાં આવ્યું હોય તેવી કોઈ નક્કર માહિતી મળતી નથી. અર્જુન ખાટરિયા ભાજપમાં ભળી જવા બાબતે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. અર્જુન ખાટરિયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં ભળશે તેવી સંભાવનાને પગલે રાજકોટ કૉંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
મેં પક્ષ વિરોધી કાર્યવાહી કયારેય કરી નથી. રામ આપણા સૌના ઈષ્ટદેવ છે. રામ મંદિર મુદ્દે કોઈપણ પ્રકારનું રાજકારણ અયોગ્ય છે. ભાજપમાં ભળવા અંગેનો નિર્ણય મારા સમર્થકો, ટેકેદારો સાથે મળીને નિર્ણય કરવામાં આવશે...અર્જુન ખાટરિયા(પૂર્વ વિપક્ષ નેતા, રાજકોટ જિલ્લા પંચાયત)