રાજકોટ: હાલ કોરોના વાઇરસની મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન છે, પરંતુ આ લોકડાઉન વચ્ચે રાજકોટની જેલમાં ફરી અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલ, સિગારેટ, અને ફાકી જેવી પ્રતિબંધિત વસ્તુઓને બાંધી તેનો દળો બનાવીને જેલની અંદર ફેંકવામાં આવ્યો છે. દડામાંથી બે મોબાઇલ ફોન, બે ચાર્જર અને સિગારેટના બે પેકેટ તેમજ માવાના પાંચ નંગ મળી આવ્યા હતાં.
આ તમામ ચીજવસ્તુ પ્રતિબંધીત હોવાથી એફએસએલ ડિપાર્ટમેન્ટમાં મોકલવી જરૂરી હોવાથી ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. જેલમાં આ રીતે અગાઉ પણ આવી ચીજવસ્તુઓ સાથેના દડાના ઘા થઇ ચૂક્યા છે અને અનેક વખત આવા દડા પકડાયા છે. હાલ આ મામલે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં જેલ પ્રશાસન દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉન છે. ત્યારે રાજકોટમાં પાન, માવા સિગારેટ જેવી તમાકુ પ્રોડક્ટ પણ નથી મળી રહી. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ રાજકોટ જેલમાં આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓનો દળો બનાવી જેલમાં રહેલા કેટલાક ખાસ કેદીઓને પહોચાડના પ્રયાસો થયા છે, પરંતુ જેલ તંત્ર દ્વારા સઘન સુરક્ષાને કારણે આ પ્રયાસો નાકામ થઈ રહ્યા છે.