રાજકોટ: સમાજમાં અંધશ્રદ્ધા એવી રીતે ઘર કરી જાય છે જાણે પાણીમાં જામેલી લીલ. જેના કારણે ક્યારેક વ્યક્તિ મોતને ભેટી લે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં પતિના નાટકથી ત્રાસી જઈને પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. બીજી પત્નીને પોતાની પહેલી પત્ની તેના શરીર અંદર આવે છે તેવું કહીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેમાં આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી રીતસરના પગલાં લીધા છે.
પતિના અસહ્ય ત્રાસના કારણે જીવન ટુંકાવ્યું: જલ્પા મૂળ રાજકોટના રીબડા ગામની વતની છે અને તેનો પતિ અમદાવાદ ખાતે આવેલ વિરમગામના વતની હતો અને રાજકોટ ખાતે લોખંડનું કારખાનું ધરાવતો હતો. પરણીતાએ બે દિવસ પહેલા આપઘાત કર્યો હતો. જલ્પા બગથારિયા નામની પરણીતાને તેના પતિ દ્વારા અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જ્યારે પરણીતાએ જે દિવસે આપઘાત કર્યો તે દિવસે પણ તેના પતિએ તેને માર માર્યો હતો. આ તમામ બાબતોના કારણે અંતે જલ્પાએ આપઘાત કર્યો હતો. જલ્પા અને તેના પતિ એમ બંનેના બીજા લગ્ન હતા. ત્યારે પતિના અસહ્ય ત્રાસના કારણે પરણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
જલ્પાના બીજા લગ્ન કર્યા તેના માત્ર છ મહિનાનો જ સમય થયો હતો. એવામાં છ મહિનામાં ત્રણથી ચાર વખત જલ્પા પોતાના પતી એવા લક્ષ્મણ રાઠોડના ત્રાસના કારણે પિતાના ઘરે આવ્યા હતા. જ્યારે તેમના પિતા દીકરી જલ્પાએ સમજાવીને ફરી પોતાના પતિ પાસે મોકલી દેતા હતા પરંતુ આવું અવાર નવાર થવાના કારણે જલ્પાએ આપઘાત કર્યો હતો. જલ્પાના પ્રથમ લગ્ન સુરત ખાતે આઠ વર્ષ પહેલાં કરવામાં આવ્યા હતા. જેના થકી જલ્પાને સંતાનમાં બે પુત્રો હતા. જેમાં એકની ઉમર 16 વર્ષની અને બીજાની ઉમર 15 વર્ષની છે. ત્યારે બીજા લગ્ન થતાં ત્યાં આગલા ઘરના બે પુત્રો હતા એમ કુલ ચાર સંતાનોનો ઉછેર જલ્પા દ્વારા કરવામાં આવ્યો હતી. - ભગવાનભાઈ બગથારિયા, મૃતક પરણીતાના પિતા
પ્રથમ પત્નીના કારણે માથાકૂટ: જલ્પાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીના બીજા લગ્ન થયા હતા. જ્યારે અમારા જમાઈ લક્ષ્મણ રાઠોડના પણ બીજા લગ્ન હતા. તેની પહેલી પત્ની બીમાર હોવાના કારણે મૃત્યુ પામી હતી. ત્યારે અમારા જમાઈ લક્ષ્મણ રાઠોડ પોતાની પ્રથમ પત્નીના ફોટો ઘરમાં રાખતો હતી અને ધૂપ દીવા કર્યા કર્યો હતો. તેમજ તે જલ્પાને વારંવાર કહ્યા કરતો કે મારી પ્રથમ પત્ની મને સપનામાં આવે છે અને તે મને તને મારવાનું કહે છે. આવું એકવાર નહિ પરંતુ અનેક વખત થયું હતી અને આ વાતના કારણે અમારા દીકરી અને જમાઈ વચ્ચે માથાકૂટ થતી હતી. જ્યારે અમારી દીકરીએ પણ આ વાતની એમને જાણ કરી હતી પરંતુ અમે તેને આશ્વાસન આપતાં હતાં કે સારું થઈ જશે પરંતુ અમારી દીકરીથી આ બધું સહન નથી થયા તેને આપઘાત કર્યો છે.
"પરિણીતાના પિતાએ આ ફરિયાદ નોંધાવી છે. લક્ષ્મણ કોળી (મૃતક મહિલાનો પતિ) પોતાની પહેલી પત્નીના ફોટા ઘરમાં રાખીને ત્યાં દીવા અને ધૂપ અગરબત્તી કર્યા રાખતો હતો. તેમજ તેને પહેલી પત્ની સપનામાં આવતી હતી અને તેના શરીરમાં પ્રવેશતી હતી. જેના કારણે તે પોતાની બીજી પત્ની એવી જલ્પા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો અને વારંવાર તે બીજી પત્નીને કહ્યા રાખતો હતો કે તેનામાં ભૂત પ્રેત જેવું કંઈક આવે છે"--બી.વી. જાદવ, (એસીપી, રાજકોટ)
પોતાના પરિવારને કરી જાણ: બે મહિના પહેલા દિકરીએ ફોન કરી કહ્યું, મારા પતિ તેના ગુજરી ગયેલી પત્નીનો ફોટો ઘરમાં રાખી ધુપદીવા કરે છે અને અચાનક ધુણવા માંડે છે. આ પછી ધુણતા ધુણતા મારુ ગળું દબાવે છે અને શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરે છે. આ વાત જાણી મેં તેને સમજાવ્યો હતો. થોડા દિવસ પછી ફરીથા આવું થતાં મારી દિકરીએ મને જાણ કરી હતી.
પોલીસે કરી કાર્યવાહી: વારંવાર પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાના કારણે જલ્પાએ આપઘાતનું પગલું ભર્યું હતું. પતિના ધુણવાના ત્રાસના કારણે પરિણીતા દ્વારા આપઘાત કરવાનું મામલો સામે આવ્યા બાદ પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સાથે જે આરોપી પતિની તાત્કાલિક અટક કરવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.