રાજકોટઃ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટની ચાર મોટી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ કેન્સર સોસાયટીમાં 10, સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2, વોકહાર્ડ હોસ્પિટલમાં 18 અને જલારામ ટ્રસ્ટની હોસ્પિટલમાં 1 દર્દી પાસેથી સારવારના નામે લાખો રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું છે. આ દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતા હોસ્પિટલોએ પૈસા પડાવ્યા છે.
આરોગ્ય વિભાગનો સપાટોઃ આરોગ્ય વિભાગની ટીમે આ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં આ હોસ્પિટલે જે જે દર્દીઓ પાસેથી પૈસા લીધા છે તેમને પૈસા પરત અપાવવા, તેમજ પડાવેલા પૈસાના પાંચ ગણા દંડ પેટે ભરવાનો સમાવેશ થાય છે. જો આ હોસ્પિટલ દંડ નહિ ભરે તો તેમની વિરુદ્ધ આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગની કામગીરીને પરિણામે અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ ફફડાટ ફેલાયો છે.
સ્ટેટ એન્ટિ ફ્રોડ યુનિટની સઘન તપાસઃ આરોગ્ય વિભાગના સ્ટેટ એન્ટિ ફ્રોડ યુનિટ દ્વારા ગત જૂન મહિનામાં ચેકિંગ કરાયું હતું. આ ચેકિંગમાં અલગ અલગ હોસ્પિટલોમાં રૂબરૂ જઈને તમામ બિલો, દર્દીઓની માહિતી, સારવારની રકમ સહાયની વિગતો મેળવવામાં આવી હતી. જે દરમિયાન ચાર જેટલી હોસ્પિટલોમાંથી આ પ્રકારની ગેરરીતિ ઝડપાઈ હતી. એક એક દર્દી પાસેથી અંદાજિત એકથી દોઢ લાખ રૂપિયા હોસ્પિટલ તંત્ર દ્વારા વસૂલવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા જરૂરિયાત મંદ લોકોને નિશુલ્ક સારવાર ખાનગી હોસ્પિટલોમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી મનફાવે તેમ રકમની ઉઘરાણી સારવારના નામે કરી રહ્યા છે. જે સંદર્ભે આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી હતી.