રાજકોટ : વડાપ્રધાન મોદીના મહત્વના બે ડ્રીમ પ્રોજેક્ટ એવા રાજકોટ એઇમ્સ અને હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ આ બંને પ્રોજેક્ટનું લોકાર્પણ દિવાળી પહેલા થાય તેવી શક્યતાઓ છે. જ્યારે રાજકોટ હિરાસર એરપોર્ટ પર આગામી 14 જૂનના રોજ એરક્રાફ્ટ ટ્રાયલ માટે આવશે અને ત્યારબાદ આ એરપોર્ટની લાયસન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ એરપોર્ટને લાયસન્સ મળશે, ત્યાર પછી એરપોર્ટને શરૂ કરવામાં આવશે. તો બીજી તરફ રાજકોટ એઇમ્સનું કામપણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી ત્રણ માસની અંદર ફુલ ફેઝમાં એઇમ્સ કાર્યરત થાય તે દિશામાં વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે, ત્યારે આ બંને પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. એવામાં આ પ્રોજેક્ટના લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન મોદી પણ રાજકોટ આવે તેવી શક્યતાઓ છે.
હાલ રાજકોટ એઇમ્સ ખાતે ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ઓક્ટોબર માસ સુધીમાં એઇમ્સ ફુલ ફેઝમાં ચાલુ થાય તેવી શક્યતાઓ છે. જેમાં મેડિકલ કોલેજ સહિતની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તેમજ આગામી 14 તારીખે એરપોર્ટના રન વે પર ટ્રાયલ માટે ફ્લાઇટ આવશે. જેની સાથે કેન્દ્રની ટીમ પણ હિરાસર એરપોર્ટની મુલાકાત લેશે, ત્યારે હવે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે છેલ્લું લાયસન્સ બાકી છે. જે અહીંયા ફ્લાઇટના ટ્રાયલ અને કેન્દ્રીયના ટીમ દ્વારા સર્વે કર્યા બાદ આપવામાં આવશે. ત્યારબાદ હિરાસર એરપોર્ટ પણ શરૂ કરી દેવામાં આવશે. જ્યારે દિવાળી પહેલા આ બંને પ્રોજેક્ટ શરૂ થઈ જશે. - મોહન કુંડારીયા (સાંસદ)
ગોંડલ ચોકડી બ્રિજ : રાજકોટની ગોંડલ ચોકડી નજીક તાજેતરમાં જ બનાવેલા ઓવરબ્રિજમાં ગાબડા પડવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઇને રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, જ્યારે આ ઘટનાના સમાચાર મને મળતા જ હું તાત્કાલિક સ્થળ પર ગયો હતો. ગોંડલ ચોકડી બ્રિજમાં ક્યાંય પણ પોપડા નીકળ્યા નથી, માત્ર પ્લાસ્ટરમાંથી જે પોપડુ ખરતું હોય તે જ નીકળ્યું છે અને આરસીસીમાં કોઈપણ પ્રકારનું પોપડુ નીકળ્યું નથી. આ બ્રિજ તેમજ આરસીસીને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે ગોંડલ ચોકડી બ્રિજ બનાવ્યાના ત્રણ મહિના થયા હતા. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો નીકળે છે. એવામાં બ્રિજ ઉપર પોપડા પડવાની વાત સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટના સાંસદ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.