રાજકોટ: રાજકોટમાં ગત તારીખ 27 જુલાઈના રોજ પીએમ નરેન્દ્ર મોદીની વિશાળ જનસભા હતી. જેમાં ભાજપ સંગઠન દ્વારા એક લાખ કરતા વધુ લોકોને ભેગા કરવામાં આવ્યા હતા. પીએમ મોદીની સભા રાજકોટ ખાતે સફળ રહી હતી પરંતુ સભાના બે દિવસ બાદ એટલે કે આજે રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખની જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી છે. આ મામલે એવી પણ ચર્ચા છે કે તાલુકા ભાજપ પ્રમુખ સહકારી ક્ષેત્રમાં દખલગીરી કરતા હતા. જેના કારણે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. જોકે ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
તાલુકા ભાજપ પ્રમુખની હકાલપટ્ટી: રાજકોટ શહેર અને જિલ્લામાં તાજેતરમાં જ ભાજપ દ્વારા નવા સંગઠનની રચના કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીને બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પ્રમુખની જવાબદારી અલ્પેશ ઢોલરીયાને સોંપવામાં આવી છે. એવામાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુ નસિતની પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. પીએમ મોદીની સભા બાદ અચાનક રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુ નસીતની હકાલપટ્ટી કર્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
રાજકોટ લોધીકા સંઘની બેઠકમાં થઈ હતી બબાલ: સમગ્ર મામલે એવી પણ વાત સામે આવી રહી છે કે રાજકોટ લોધિકા સંઘની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના જિલ્લાભરના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો વચ્ચે બબાલ સર્જાઇ હતી તેમાં બાબુ નસીતનું નામ ખુલ્યું હતું. જેના કારણે રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા બાબુ નસીબને તાત્કાલિક રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બાબુ નસીતએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ભાજપના જૂના અને દિગ્ગજ નેતા છે. તેમને પોતાના પદ ઉપરથી દૂર કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રદેશ અધ્યક્ષને રજૂઆત: રાજકોટ લોધિકા સંઘમાં છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલે છે. આ અંગે પ્રધાનમંત્રીની મુલાકાત સમયે બાબુ નસીત સહિત ત્રણ લોકો સામે પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યા હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ પ્રદેશ અધ્યક્ષ દ્રારા જિલ્લા ભાજપ પ્રમુખને તમામ ડિરેક્ટરોને પક્ષની મર્યાદામાં રહીને કડક સૂચના આપવા કહ્યું હતું જે બાદ વિવાદ વધુ ઘેરો બન્યો હતો.