રાજકોટ : રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગઈકાલે મોડી રાત્રે શંકાસ્પદ ગાંજાના છોડવા હોસ્ટેલ કેમ્પસ નજીકથી મળી આવ્યા હતાં. જેને લઇને આ શંકાસ્પદ ગાંજાના છોડવા અહીંયા ઉગાડવામાં આવતા હોવાની વાત પણ સામે આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને હવે વધુ તપાસ હાથ ધરી છે. જેને લઈને પોલીસ દ્વારા સીટની પણ રચના કરવામાં આવી છે. બીજીતરફ એક વધુ અપડેટ આ મામલે સામે આવ્યું છે તે એફએસએલની પ્રાથમિક તપાસમાં ગાંજાના છોડ ન હોવાનું જાણવા મળ્યું છે.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા થશે તપાસ : આ મામલામાં ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. જ્યારે મારવાડી યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. એક તરફ મારવાડી યુનિવર્સિટી શિક્ષણનું ધામ માનવામાં આવે છે જ્યારે બીજી તરફ શંકાસ્પદ ગાંજાના છોડવા વાવવાની ઘટનાને લઈને હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો Marwadi University: વિદ્યાના ધામમાં નશાના બીજ? યુનિ. પરિસરમાંથી મળેલા છોડ ગાંજાના હોવાની આશંકા
શૈક્ષણિક સંકુલમાં તપાસ : જ્યારે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં શંકાસ્પદ ગાંજાના છોડવા ઉગાડવામાં આવતા હોવાની વાત સામે આવ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા શહેરના અલગ અલગ શૈક્ષણિક સંકુલમાં પણ આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતાં. જેને લઇને રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંકુલો અને હોસ્ટેલોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
શહેરમાં ચેકિંગ કામગીરી શરુ : રાજકોટમાં ક્યાંકને ક્યાંક યુવાધનને નશા તરફ જતા રોકી શકાય તે માટે હવે રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. તેમજ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર આવેલા શૈક્ષણિક સંકુલોમાં પણ પોલીસ દ્વારા આજે વહેલી સવારથી જ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
NSUIએ માન્યતા રદ કરવાની માંગ કરી : મારવાડી યુનિવર્સિટીમાં શંકાસ્પદ ગાંજાના છોડવા ઉગાડતા હોવાની વાત સામે આવ્યા બાદ આજે NSUIની ટીમ પણ મારવાડી કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી હતી. જ્યારે NSUI દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી કે યુનિવર્સિટીના સતાધીશો વિરુદ્ધ NDPS અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે, આ સાથે જ મારવાડી યુનિવર્સિટીની માન્યતાને પણ રદ કરવામાં આવે, જ્યારે NSUI દ્વારા મારવાડી યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રચાર અને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આ કોલેજની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
FSL દ્વારા તપાસ બાદ સત્ય સામે આવશે : આ સમગ્ર મામલે રાજકોટ ડીસીપી સજ્જનસિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસને આ અંગેની જાણ થતા પોલીસે હાલ આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ માટે SITની રચના પણ કરી છે. જ્યારે FSLની પ્રાથમિક તપાસમાં આ શંકાસ્પદ છોડવા ગાંજાના ન હોવાનું સામે આવ્યું છે પરંતુ એફએસએલની ટીમ દ્વારા આ મામલે હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
શંકાસ્પદ છોડવા ઉગ્યાં કે ઉગાડાયાં? : ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સિટીમાં અનેક પરપ્રાંતિયો અને વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. એવામાં કોલેજ સંકુલમાં શંકાસ્પદ ગાંજાના છોડવાને લઈને પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે ખરેખરમાં આ પ્રકારના શંકાસ્પદ છોડવા અહીંયા વાવવામાં આવ્યા હતા કે આપમેળે ઊગી નીકળ્યા હતા. હાલ આ સમગ્ર મામલે હવે SIT દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.