રાજકોટ : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત તારીખ 3-7-2023ના રોજ શંકાસ્પદ સિરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. તે સમયે શંકાસ્પદ આયુર્વેદિક સિરપના નમૂના લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ચકાસણી માટે એફએસએલ રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતાં. ત્યારે એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ આયુર્વેદિક સિરપમાં આઇસો પ્રોપાઈલ અને ઈથાઇલ નામનું આલ્કોહોલ મળી આવ્યું હતું.
કંપનીનું રજીસ્ટ્રેશન નથી : આ સાથે જ આ નશાકારક આયુર્વેદિક સિરપ જે કંપનીનું હતું તે કંપનીનું રજીસ્ટ્રેશન પણ ન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ નશાયુક્ત સિરપ કૌભાંડમાં રહેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. નશાયુક્ત સિરપના 7 જેટલા ટ્રકો પકડાયા હતાં.
પોલીસે બાતમીના આધારે આયુર્વેદિક સિરપના સાત જેટલા ટ્રક પકડી પાડ્યા હતાં. જ્યારે આયુર્વેદિક સિરપ શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ કરીને આયુર્વેદિક સિરપના સેમ્પલ લઈને FSL ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ આયુર્વેદિક કફ સિરપમાં જે નશાકારક પદાર્થ મળી આવ્યો છે. તેનો કેમિકલ બનાવવા અને હેન્ડ વોસ કરવા માટેના સેનેટાઈઝર બનાવવામાં તેનો ઉપયોગ થતો હતો. આવા પદાર્થોના કારણે માણસનું મૃત્યુ થવાની પણ સંભાવના વધી જાય છે. જ્યારે આયુર્વેદિક કફ સિરપના ખોટા કંપનીના સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા અને બોટલો ઉપર લગાવવામાં આવ્યા હતાં તેમજ તેના રજીસ્ટ્રેશન નંબર પણ ખોટા નાખવામાં આવ્યાં હતાં...ભરત બસીયા (એસીપી, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ)
છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ : એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે આયુર્વેદિક કફ સિરપના નામે નશાકારક પદાર્થો વેચવાનો કૌભાંડ સામે આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપી પૈકી ત્રણ આરોપી એવા લગધીરસિંહ કાળુભા જાડેજા, અશોકભાઈ ગગનજીભાઈ ચૌહાણ અને જયરાજ અમરશીભાઈ ખેરડીયાની ધરપકડ કરી છે.
બે આરોપી રાજકોટ ભાજપના કાર્યકર્તા : આ કેસમાં બીજા ત્રણ આરોપીઓ એવા ધર્મેન્દ્ર નટવરલાલ ડોડીયા, રૂપેશ નટવરલાલ ડોડીયા તથા મેહુલ અરવિંદભાઈ જસાણીને પકડવાની તજવીજ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર અને રૂપેશ ડોડીયા રાજકોટ ભાજપના કાર્યકર્તા હોવાનું પણ સામે આવ્યું છે.