રાજકોટ: ભાદર નદીમાંથી 26 માર્ચે એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. નદીમાં તરી રહેલા મૃતદેહને બહાર લાવી પોસ્ટમોર્ટમ હેતુ ખસેડાયો હતો. જેની ફોરેન્સિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોઈ શિવા નામના વ્યક્તિની હત્યા થઈ છે, જે પરપ્રાંતિય હોવાનું પોલીસ વિગતમાંથી જાણવા મળ્યું છે. શિવાનો મધ્યપ્રદેશની કોઈ મહિલા સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલાએ પોતાના પતિ તેમજ એક વ્યક્તિ સાથે મળી શિવાનું ઢીમ ઢાળી દેવાની યોજના તૈયાર કરી હતી. શિવાને ધારદાર હથિયારના ઘા મારીને પતાવી દેવામાં આવ્યો હતો. પછી એનો મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
હત્યાનો ભેદ ઉકેલ્યો: આ તપાસની અંદર રાજકોટ રૂરલ એલસીબી પોલીસે એક મહિલા તેમજ બે પુરૂષને સકંજામાં લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. હત્યાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાદર નદીમાંથી મળી આવેલ આ મૃતદેહ અંગે પોલીસ દ્વારા મૃતક વ્યક્તિના ફોટાઓ તેમજ વિગતોની માહિતીઓ મીડિયા, સોશિયલ મીડિયા, સ્કેચ આર્ટિસ્ટના માધ્યમથી દરેક જગ્યાએ બહોળી સંખ્યામાં પ્રસિદ્ધિ કરી હતી. આ મૃતક વ્યક્તિ કોઈ પરપ્રાંતીય હોવાનું અનુમાન સામે આવતા તપાસ કરનાર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારોમાં પૂછતાછ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો: જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા થયેલ ગુનાની તપાસની કામગીરીમાં ટેકનિકલ સોર્સ દ્વારા ઘટના બની તે સમય દરમિયાન શિવા નામની વ્યક્તિની કોઈ વ્યક્તિ આસપાસના વિસ્તારના લોકોની પાસે આવી છે કે નહી તે અંગે તપાસ કરતા હતા. આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળેલ હતું કે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામના વતની શિવાભાઈ જોધાભાઈ ધૂંધવાળા ગત તારીખ 22 માર્ચ 2023 ના રોજ જામકંડોરણા તાલુકાના રાયડી ગામ નજીક રાત્રિના સમયે આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ભાઈની ઓળખ આપી: આ અંગે પોલીસ હરમડિયા ગામે તપાસ કરાવતા શિવાના ભાઈ રામભાઈ જોધાભાઈ ધૂંધવાળાનો સંપર્ક થયો હતો. સંપર્ક થયા બાદ રામભાઇને તેમના ભાઈ શિવા વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી તેમના ભાઈનો કોઈ સંપર્ક નથી અને તેમનો ફોન પણ બંધ આવે છે. આ અંગે માલૂમ પડતાં તેમણે જામકંડોરણા પોલીસ ખાતે લઈ જઈ મૃતદેહ તેમજ મળી આવેલી વસ્તુઓ અને ફોટો બતાવતા મૃતદેહ પોતાના ભાઈનો હોવાનું જણાવી અને તેમના ભાઈની ઓળખ આપી હતી.
મધ્યપ્રદેશની મહિલા સાથે પ્રેમ: આ ઘટના બાદ મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલાં મધ્યપ્રદેશની મહિલા સાથે તેમનો પ્રેમ સંબંધ હતો. ગત 22 માર્ચના રોજ તેમની પ્રેમિકા રેશમા નામની મહિલાએ ફોન પર વાત કરી અને મહિલાને તેનો પતિ હેરાન કરે છે તેવું કહી તેમને તેડી જવા કહ્યુ હતું. આ ઘટનાની અંદર હતરીયા ઉર્ફે અનિલ ઉર્ફે સુનિલ સુરસિંગ ડાવર, મુકેશ સુરસિંહ ડાવર અને રેશમા હતરીયા દવર નામના ત્રણેય વ્યક્તિઓને અલગ અલગ યુક્તિ પ્રયુક્તિથી પોલીસે દ્વારા પૂછતાછ કરવામાં આવતા સમગ્ર બાબતો ખુલી હતી.