રાજકોટ: પડધરીમાં ધાર્મિક લાગણી દુભાવી બે જૂથ વચ્ચે વૈમન્યસ્ય પેદા કરવાનો હિન પ્રયાસ કર્યાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. હિન્દુ ઉત્સવ સમિતિના સંયોજક દ્વારા વિધર્મી યુવાન દ્વારા જે રીતે ધાર્મિક લાગણી દુભાવાનો કારસો કરવામાં આવ્યો છે તેની સામે ફરિયાદ નોંધાવી છે.. ત્યારે આ કિસ્સો સામે આવતા પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી આ વિધર્મીની ધરપકડ કરી છે, તો બીજી બાજુ આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાતો પણ પડયા છે.
સજજડ બંધ પળાયો અને વિરોધ રેલી યોજાઇ રાજકોટના પડધરી પંથકના ગ્રામજનોએ આ બાબતે સજજડ બંધ પાળીને એક વિશાળ રેલી સ્વરૂપે આ વિધર્મી સામે કડક પગલાં લેવા રજૂઆત કરી છે. આ બનાવને પગલે પડધરી પંથકમાં ભારે તંગદિલી ફેલાઈ જવા પામી છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ આ બનાવ અંગેની પડધરીમાં રહેતા સામાજિક કાર્યકર અને શ્રી હિન્દુ ઉત્સવ સમિતિના સંયોજક પ્રદ્યુમનભાઈ શંકરલાલ સાત્તા (ઉ.વ.71) નામના નાગરિકે પડધરી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં મેમણ શેરીમાં રહેતા ફિરોઝ આમદભાઈ સંઘીનું નામ આપ્યું છે.
દેવીદેવતાઓ વિશે અભદ્ર લખાણો આ બનાવમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત દિવસે આ વિધર્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર હિન્દુ દેવીદેવતાઓ વિશે અભદ્ર લખાણો લખી જુદી જુદી પાંચ પોસ્ટ કરી હતી. જેના પગલે હિન્દુ સમાજમાં ઘેરો રોષ ફાટી નીકળો હતો. આ વિધર્મી યુવાને પોતાના સોશિયલ મીડિયાના પેઝ પર હિન્દુ ધર્મના દેવી-દેવતા શ્રી રામ, શ્રી કૃષ્ણ, ગણેશજી મહારાજ સહિતના દેવીદેવતાઓ પર ખરાબ કોમેન્ટ કરી બેફામ ગાળો લખી હતી. આ ઉપરાંત મૂર્તિપૂજા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતાં.
ફિરોઝ સંઘીની ધરપકડ : આ યુવકે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ વાયરલ થતાં ભારે ચકચાર મચી છે ત્યારે પડધરી પોલીસે આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાતો ન પડે તે માટે ધાર્મિક લાગણી દુભાવાનો તેમજ બે કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો ગુનો નોંધી રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા ફિરોઝ સંઘીની ધરપકડ કરી તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે અને ત્યાં તેની સઘન પૂછપરછ ચાલી રહી છે.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો : તો બીજી બાજુ પડધરીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ વિધર્મી યુવાનની સોશિયલ મીડિયાના પોસ્ટના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાતા પડધરી ગામના લોકોએ સ્વયંભૂ બજારો બંધ રાખી રેલી સ્વરૂપે મામલતદારને રજૂઆત કરી આવેદન પત્ર પાઠવ્યું હતું. આ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આ બનાવ બાદ પડધરીમાં હજુ ભારેલાઅગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે પડધરીમાં પોલીસને ઉતારી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે.