રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ સ્થિત એમ. જે. કુંડરિયા કોલેજ પ્રોફેસરે પી.એચ.ડી. કરતી વિદ્યાર્થીની કર્યું યૌન શોષણ કર્યુ હોય તેવા આરોપો લાગ્યા છે. પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે છેડછાડ અને અઘટિત માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીના યૌન શોષણના સમાચારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વોટસએપ પર બિભત્સ મેસેજીસઃ એમ. જે. કુંડારિયા મહિલા કોલેજના પ્રોફેસરે પોતાના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. કરતી વિધાર્થિની સમક્ષ અઘટિત માંગણી કરી હતી. વિદ્યાર્થીનીએ છેડછાડનો આરોપ પણ લગાવ્યો છે. આ પ્રોફેસરે વિદ્યાર્થીનીને વોટસએપ પર બીભત્સ મેસેજ કર્યા હતા.
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અમને આગામી 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે આગામી સોમવારે અમારી કોલેજની કમિટીની બેઠક મળશે અને સાંજ સુધીમાં નિર્ણય આવશે. સોમવારે બેઠકમાં જે પણ પુરાવા વિદ્યાર્થીની દ્વારા આપવામાં આવ્યા હશે તેને ચકાસવામાં આવશે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવશે...પ્રિન્સિપાલ (પ્રિન્સિપાલ, એમ. જે. કુંડારિયા કોલેજ)
યુનિવર્સિટીએ કમિટી રચીઃ યુવતીએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટીએ સમગ્ર મામલાની તપાસ કરવા માટે કમિટિની રચી હતી. કમિટિના રિપોર્ટમાં યુવતી સાચી હોવાનું સામે આવ્યું છે. કમિટિએ પ્રોફેસર દ્વારા યૌન શોષણ થયું હોય તે આરોપને સમર્થન આપ્યું છે. યુનિવર્સિટીએ આ રિપોર્ટને આધારે એમ.જે. કુંડારિયા કોલેજને 7 દિવસની અંદર પ્રોફેસર વિરુદ્ધ પગલાં ભરવાનો આદેશ કર્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચ.ડી. જાણે શોષણનો કોર્ષ હોય એમ એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે. ગાઈડના માર્ગદર્શન નીચે પીએચડી કરતી વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ તેના જ પ્રોફેસર કરે તે શરમજનક બાબત છે. અમે વિદ્યાર્થી સંગઠન તરીકે પ્રોફેસરને કડક શિક્ષા થાય તેની રજૂઆત માટે આવ્યા છીએ. એવામાં અમારી માંગ છે આ પ્રોફેસરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને પોલીસ ફરિયાદ થાય...રોહિત રાજપૂત (વિદ્યાર્થી નેતા, NSUI)
યૌન શોષણની અનેક ઘટનાઓઃ આ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓના યૌન શોષણના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં બાયો-સાયન્સ ભવનના અધ્યક્ષ અને અર્થશાસ્ત્ર ભવનના અધ્યાપક પણ યૌન શોષણના કારણે જ સસ્પેન્ડ થયા હતા. આ બન્ને વિરુદ્ધ વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કર્યાનો આક્ષેપ કરાયો હતો. ઉપરાંત સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસરની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. જેમાં પ્રોફેસર વિદ્યાર્થિનીને Ph.D. કરાવવા અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીરસુખની માગણી કરી હતી. કાયદા ભવનના પ્રોફેસર વિરૂદ્ધ પણ યુવતીએ યૌન શોષણની ફરિયાદ કરી હતી.