રાજકોટ : રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા અમૂલ કારખાનામાંથી એક 13 વર્ષની તરુણીની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. જેને પગલે આજી ડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકી છેલ્લા બે દિવસથી ગુમ હતી. ત્યારે તેની મૃત અવસ્થામાં લાશ મળી આવી છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.
આજી ડેમ પોલીસ દ્વારા તપાસ શરુ : હાલ આ સમગ્ર મામલે રાજકોટની આજી ડેમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસને આશંકા છે કે આ બાળકી સાથે દુષ્કર્મ થયું છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. વિસ્તારમાં ઘટનાને પગલે ઠેરઠેર ભયનો માહોલ છવાયો છે. એવામાં વિસ્તારના ધારાસભ્ય પણ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ 13 વર્ષની બાળકીની હત્યાના બનાવમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયા જેવી અણીદાર વસ્તુથી ઇજા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બાળકીનું મોત માથામાં ઇજા થવાથી થયાનો પણ ઘટસ્ફોટ થયો છે.
આ બાળકી ગુમ થાઇ ત્યારથી જ અમે તેના પરિવારના સંપર્કમાં હતા. એવામાં આ બાળકી મૃત અવસ્થામાં મળી આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે મેં રાજકોટના પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહપ્રધાન સાથે પણ વાતચીત કરી છે. તેમજ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે...ધારાસભ્ય ઉદય કાનગડ
તરુણી 27 તારીખથી લાપતા હતી : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા યુવરાજ નગરમાંથી ગત તારીખ 27ના રોજ એક 13 વર્ષની તરુણી ગુમ થયાની ફરિયાદ રાજકોટ આજીડેમ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને પગલે પોલીસ અને આ બાળકીના પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. એવામાં ગઈકાલે મોડી રાત્રે અમtલ ઇન્ડસ્ટ્રીઝ માંથી આ બાળકીની મૃત અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
દુષ્કર્મ બાદ હત્યાની આશંકા : જ્યારે પોલીસે આ બાળકીના મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હવે આ મામલે બાળકીના મૃતદેહનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને દુષ્કર્મ બાદ હત્યાની આશંકા છે. આ બાળકી સાથે દુષ્કર્મ થયું છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. જ્યારે સમગ્ર કેસને ઉકેલવા માટે એસીપીની અધ્યક્ષતામાં એક જ તપાસ ટીમની પણ રચના કરવામાં આવી છે. હાલ આ ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે. તેમજ સીસીટીવીની પણ મદદ લેવામાં આવી રહી છે.
ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી આવ્યા : બીજી તરફ રાજકોટ પૂર્વના પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં એક 13 વર્ષની બાળકી સાથે જધન્ય કૃત્ય કરવામાં આવ્યું છે. જેમાં બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે.
ન્યાય જોઇએ : જ્યારે બાળકીના પરિવારજનો દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે 27 તારીખે બાળકી સાંજના સમયે લાકડા લેવા ગઈ હતી ત્યારબાદ પરત ફરી નહોતી. જેને લઇને અમે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે મોડી રાત્રે બાળકીનો મૃતદેહ અમૂલ કારખાનામાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ વાયરો બાંધેલો હતા. જેને લઈને અમને પણ શંકા છે કે આ બાળકી સાથે દુષ્કર્મ થયું છે ત્યારે અમને ન્યાય મળે તેવી અમારી માંગણી છે.