સમગ્ર ઘટના અનુસાર, રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ઘરફોડ ચોરીના રીઢા ગુન્હેગારને ઝડપી પાડી અનેક ભેદ ઉકેલ્યા છે. એજાજ શેખ નામનો ઈસમ રાજ્યભરના અલગ અલગ શહેરમાં ઘરફોડ ચોરીઓના ગુન્હામાં સામેલ હતો. તેમજ અગાઉ તે અમદાવાદ પોલીસની કસ્ટડીમાંથી નાસી છૂટયો હતો.
મહત્વનું છે કે, આ રીઢો ગુન્હેગાર વોરા જ્ઞાતિના જ ઘરને વધુ ટાર્ગેટ કરતો હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે ઈસમ જેતે ઘરમાં પ્રવેશી તેના ઘરમાં રહેલા રોકડ રકમ, દાગીના સહિતની કિંમતી ચીજ વસ્તુઓ ઉઠાવી જાય છે. તેમજ તેમના ઘરમાં જ પાર્ક કરેલા વાહન પણ ઉપાડી જવાની વૃત્તિ ધરાવે છે. આ સાથે જ પોલીસ કસ્ટડીમાં વધુ સમય તેને ન રાખવામાં આવે તે માટે પોતે જ પોતાના શરીરને ઇજા પહોંચાડી નાસી છૂટવાની ટેવ વાળો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.