રાજકોટ : દેશમાં બાળમજૂરી કરાવી ગુનો છે. એવામાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લોકો બાળકોને મજૂરી કરાવતા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. બાળમજૂરી અટકાવવાના ભાગરૂપે રાજકોટમાં નવ જેટલા બાળમજૂરો મળી આવ્યાં હતાં. જેઓને તાત્કાલિક કામની જગ્યાએથી મુક્ત કરાવવામાં આવ્યા છે. બચપન બચાવો સંસ્થા દ્વારા રાજકોટ પોલીસને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી છે. જેમાં નવ જેટલા બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનામાં ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ગુનો નોંધાયો છે.
હોટેલમાં બાળકોને કરાવાતી મજૂરી : રાજકોટ ગ્રામ્ય વિસ્તારની હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એવા શાપર વેરાવળ સહિતના અલગ અલગ ત્રણ સ્થળોએ બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાની બાતમી બચપણ બચાવો સંસ્થાને મળી હતી. જેના આધારે બચપણ બચાવો સંસ્થા દ્વારા ગ્રામ્ય પોલીસને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અહીંયા અલગ અલગ રેસ્ટોરન્ટ અને હોટલમાં 9 જેટલા બાળકો બાળમજૂરી કરતા જોવા મળ્યા હતાં. જેના તાત્કાલિક મુક્ત કરાવાયાં હતાં. તેમજ બાળમજૂરી કરાવનાર ઇસમો વિરુદ્ધ પોલીસો ફરિયાદ નોંધાવાઇ છે. બાળકોને હાલ સંરક્ષણ ગૃહોમાં પૂરી સુરક્ષા સાથે રાખવામાં આવ્યા છે.
ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો : રાજકોટના કાલાવડ રોડ ઉપર વૃંદાવન સોસાયટી નજીક આવેલા પટેલ ડાઇનિંગ હોલના 6 જેટલા બાળકોને મજૂરી કરવામાં આવી રહી હતી. આ સાથે જ શાપર વેરાવળના કામધેનુ ટી સ્ટોલમાંથી 2 બાળમજૂર તેમજ શ્યામજી રેસ્ટોરન્ટમાંથી 1 બાળ મજૂર એમ કુલ 9 જેટલા બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ ઘટનામાં રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ગોપાલ મંગાભાઈ મકવાણા તેમજ મનોરથ ગૌરીશંકર ચૌહાણ સહિત ત્રણ લોકો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટમાં ફરી એક વખત બાળ મજૂરો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.