આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર્યરત્ત "વર્લ્ડ CSR ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી" સંગઠન દ્વારા તા. 17 અને 18 ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ મુંબઈ ખાતે યોજાયેલ પરિષદમાં વિશ્વના મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટીઝ લીડર્સને ઉપરોક્ત એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યાં રાજકોટ કમિશ્નર બંછાનિધિ પાનીને આ એવોર્ડ મળ્યો હતો.
"વર્લ્ડ સી.એસ.આર. ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી" સંગઠન વિશ્વભરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણ ઉપરાંત સામાજિક હિતમાં કાર્ય કરી રહેલા મહાનુભાવો, અધિકારીઓ તેમજ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી નિભાવી પોતાનું યોગદાન આપી રહેલી કંપનીઓને પણ વિવિધ માધ્યમોથી સહાયભૂત થવા પ્રયાસ કરે છે. તેમજ તેઓની ઉત્કૃષ્ટ ફરજનિષ્ઠાને દર વરસે એવોર્ડઝના માધ્યમથી બિરદાવે છે.
ત્યારે વર્ષ 2005ની બેચના IAS અધિકારી બંછાનિધિ પાનીએ રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર પદ પર છેલ્લા અઢી વર્ષ દરમ્યાન શહેરી વિકાસના વિવિધ ક્ષેત્રે જે ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે, તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લીધા બાદ હવે "વર્લ્ડ સી.એસ.આર. ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી" સંગઠન દ્વારા પણ તેઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઓક્સફર્ડ ઈકોનોમિકસ હેડ દ્વારા તૈયાર થયેલા એક રીસર્ચ અહેવાલમાં પણ આગામી 15 વર્ષ દરમ્યાન વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ ડેવલપિંગ શહેરોમાં રાજકોટનો સમાવેશ કર્યો છે. રાજકોટ શહેર જે ઝડપે અને ક્ષમતા સાથે હાલ વિકસી રહયું છે તેની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઈ રહી છે.