રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સેન્ટ્રલ જેલના બે કેદીઓના સદવર્તનને પરિણામે બાકીની સજા માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને કેદીઓ સગા ભાઈઓ છે અને મૂળ અમરેલી જિલ્લાના વતની છે. આ બંને ભાઈઓને એક હત્યાના ગુનામાં બંને ભાઈઓને આજીવન કેદની સજા થઈ હતી. તેમને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2005થી સજા ભોગવતા આ કેદીઓ મુક્ત થવાને કારણે તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
હત્યાના આરોપીઃ રાજકોટ સેન્ટ્રલ જેલમાં મગન દેવશી મકવાણા અને જગદીશ દેવશી મકવાણા નામક બે સગાભાઈઓ હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યા હતા. વર્ષ 2005માં IPC 302 અને 120B મુજબની કલમો હેઠળ બંને સગાભાઈઓને સજા થઈ હતી. આ બંને ભાઈઓએ 18 વર્ષના જેલવાસ દરમિયાન સદવર્તન દાખવ્યું હતું. તેમણે વાણી અને વર્તન પર સંયમ રાખ્યો હતો. તેમના વિવેકપૂર્વકના વર્તનને જેલ અધિકારી, જેલના વડા અને રાજ્ય સરકારે ધ્યાને લીધા હતા. રાજ્ય સરકારે હત્યાના ગુનાના બે આરોપીઓની બાકીની સજા માફ કરવાનો નિર્ણય લીધો છે.
અન્ય કેદીઓમાં સારો સંદેશ જશેઃ જેલવાસ દરમિયાન સારો વાણી વ્યવહાર, સદવર્તન રાખવાથી સજામાં મુક્તિ મળે છે. આ ઘટનાને પરિણામે અન્ય કેદીઓ પણ પોતાના વર્તન સુધારશે. સરકાર પણ આવા કેદીઓ ફરીથી સમાજમાં પોતાના પરિવાર સાથે સારું જીવન જીવી શકે તેની તક આપે છે. રાજ્ય સરકાર ઉપરાંત જેલના વડાના અથાક પ્રયત્નોને લીધે આ સજામાફી શક્ય બની છે.
પાકા કામના બે કેદીઓ જેમાં મંગા ઉર્ફે મગન દેવશીભાઈ મકવાણા અને જગ્ગા ઉર્ફે જગદીશ દેવશીભાઈ મકવાણા આ બંને કેદીઓ સગા ભાઈઓ છે. વર્ષ 2005માં IPC 302 અને 120B મુજબના ગુનામાં જેલમાં હતા. તેમણે જેલમાં 18વર્ષની કેદ ભોગવી છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને જેલના વડાના અથાક પ્રયત્નોના કારણે આજે આ બંને કેદીઓને આજે જેલ મુક્ત કરવામાં આવે છે...બી.બી. પરમાર(ઈન્ચાર્જ નાયબ અધિક્ષક, રાજકોટ સેન્ટ્રલ જેલ)