રાજકોટ : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ જામ્યું હતું. જેમાં ભારે વરસાદના કારણે ડેમની અંદર નવા નીર આવ્યા હતા. તો સાથે-સાથે ઘણા ડેમો પોતાની જળ સપાટી વટાવી ચૂક્યા છે, ત્યારે કેટલાક ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. રાજકોટના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલા ભાદર 2 ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને હેઠવાસના અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.
પાણીની આવકમાં વધારો : રાજકોટના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસેનો ભાદર 2 ડેમ તાજેતરમાં પડેલા વરસાદના કારણે રૂરલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો હતો. જેને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો તેમજ ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરી અને ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આ બાદ જળ સપાટીમાં ઘટાડો થતાં ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ફરી એક વખત ડેમની જળ સપાટીમાં વધારો થતા અને પાણીની આવકમાં વધારો જણાતા ડેમના 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.
ક્યાં ગામનો કરાયા એલર્ટ : ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
આનંદની લાગણી : ભાદર બે ડેમ ધોરાજી તેમજ ભાદર કાંઠાના તમામ ગામોને સિંચાઈ માટે અને ખેતી માટે હજારો હેક્ટર જમીનને નિભાવ આપનાર ડેમ છે. ડેમની જળ સપાટીમાં વધારો થતા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, ત્યારે અગાઉ પણ ડેમ ભરાઈ ગયેલો હોવાથી અને ડેમની સપાટીમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં અને શહેરી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી, ત્યારે હાલ ફરી એક વખત ભાદર ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે અને ડેમમાં પાણીની આવક અને જાવક 5,265 ક્યુસેક હોવાની માહિતી ધોરાજી ભાદર બે ડેમ વિભાગ દ્વારા આપવામાં આવી છે.