રાજકોટ : ગુજરાતમાં એકમાત્ર AIIMS હોસ્પિટલ રાજકોટને મળી છે. તેવામાં રાજકોટ AIIMS હોસ્પિટલનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ AIIMS ના ચેરમેન તરીકે ડૉ. વલ્લભ કથીરિયાની નિમણૂક કરી છે. ત્યારે આ મામલે ડો. વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ AIIMS નું કામ વહેલાસર પૂર્ણ થાય તે મારો પ્રથમ પ્રયાસ રહેશે. આ સાથે જ રાજ્યના છેવાડાના ગામડાઓમાં સારામાં સારી સુવિધા એઇમ્સ મારફતે દર્દીઓને મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
નિશુલ્ક સારવાર : રાજકોટ AIIMS નવનિયુક્ત પ્રમુખ ડો. વલ્લભ કથિરીયાએ AIIMS હોસ્પિટલ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, AIIMS એક સ્વાયત બોડી છે. જેના કારણે AIIMS દ્વારા જ મોટાભાગના નિર્ણયો લેવામાં આવે છે. જ્યારે AIIMS માં દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવી હોય છે. રાજ્યના દર્દીઓને અહીંયા ઉત્તમ સારવાર મળે તે પ્રકારનો મારો પ્રયાસ રહેશે.
એડવાન્સ મેડિકલ સાયન્સ : અત્યારે મેડિકલ સાયન્સ ખૂબ જ એડવાન્સ ચાલી રહ્યું છે. હાલ ટેલી મેડિકલનો જમાનો છે. જ્યારે રાજ્યના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ PHC અને CHC સેન્ટરો આવેલા છે. જેને રાજકોટ AIIMS સાથે જોડવામાં આવશે. ઉપરાતં ટેક્નોલોજીની મદદથી દર્દીઓનું નિદાન કેવી રીતે થઈ શકે તે દિશામાં કામ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કિડની અને પથરીના દર્દી વધુ જોવા મળે છે. જ્યારે માવાના બંધાણીઓને મોઢાના કેન્સર વધુ પ્રમાણમાં થતા હોય છે. ત્યારે આ તમામ પ્રકારના દર્દીઓની AIIMS માં સારવાર ખૂબ સારી રીતે થાય તે પ્રકારનો મારો પ્રયાસ રહેશે. હવે આગામી દિવસોમાં AIIMS ના ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.-- ડો. વલ્લભ કથીરીયા (પ્રમુખ, રાજકોટ AIIMS)
વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ : ડો. વલ્લભ કથીરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, એઇમ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પણ કામ ચાલી રહ્યા છે તે વહેલાસર પૂર્ણ થાય તે દિશામાં કામ કરાશે. ઉલ્લેખનીય છે કે, AIIMS વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યારે છેલ્લા 4 વર્ષથી રાજકોટની ભાગોળે પરા પીપળીયા ખાતે AIIMS નિર્માણની કામગીરી શરૂ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક માત્ર AIIMS હોસ્પિટલ રાજકોટને મળી છે. AIIMS હોસ્પિટલની સુવિધાના કારણે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના મોટાભાગના દર્દીઓને અતિ આધુનિક સારવાર મળી રહેશે.