રાજકોટ : આટકોટના સત્તાપર ગામે યુવાન ભાદર નદીમાં પગ લપસતા પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. નદીમાં તણાઈ ગયેલા 35 વર્ષીય ચતુર સોલંકી રવિવારે ભાદર નદી કાંઠે ચાલીને જતા હતા. જે દરમિયાન પગ લપસતા પાણીના વહેણમાં તણાઈ ગયા હતા.
ચતુરભાઈની શોધખોળ ગામના તરવૈયાઓ દ્વારા કરવામાં આવી હતી. મહા મહેનત બાદ તેમનો મૃતદેહ સોમવારે મળ્યો હતો. ઘટનાની જાણ થતા આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
રાજકોટમાં ડૂબી જવાથી થયેલા મોતની અન્ય ઘટનાઓ
રાજકોટ: ખારચીયા ગામમાં નદીમાં ન્હાવા પડેલા યુવાનનું મોત, બચાવ કામગીરી દરમિયાન તરવૈયાનું મોત
રાજકોટ: ઉપલેટા તાલુકાના ખારચીયા ગામની વેણુ નદીમાં રવિવારે એક યુવાન નારણનાથ પરમાર નામનો યુવાન ન્હાવા માટે પડ્યો હતો. નદીમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યુ હતું. સ્થાનિક તરવૈયાએ યુવાનને બચાવવા માટે નદીમાં પડ્યા હતા. સ્થાનિક તરવૈયા સુરેશ દેવશીભાઇ વાઘેલા પણ બચાવા જતા તે પણ ડુબ્યાં હતા અને બન્નેના મોત નીપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જેતપુર શહેરમાં ભાદરની કેનાલમાં ડૂબી જતાં વધુ એક વ્યક્તિનું મોત
જેતપુરમાં જિથુંડી હનુમાન પાસે આવેલી ભાદરની કેનાલમાં નાહવા પડેલા વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. જિથુંડી હનુમાન પાસેથી તણાતાં તેનો મૃતદેહ જેતપુરથી 20 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. મૃતક જેતપુરના દેરડી ગામના રહેવાસી અરવિંદભાઈ જાગાભાઈ બરવાડિયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનું બાઈક અને કપડાં જીથુંડી હનુમાન પાસેથી બિનવારસી મળી આવ્યા હતા. મૃતક અરવિંદભાઈ લાંબા સમયથી બીમાર હતા. આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢયો હતો અને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. આ બનાવ બાબતની વધુ તપાસ જેતપુર પોલીસે હાથ ધરી હતી.
રાજકોટ: પાટણવાવ ઓસમ પર્વત પાસેના તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત
રાજકોટ: પાટણવાવમાં આવેલ ઓસમ ડુંગર નીચેના તળાવમાં નાહવા જતા એક કિશોર ડૂબી જતા મોત થયું હતું. ફાયર સ્ટાફના જવાનોએ કિશોરના મૃતદેહની શોધખોળ કરીને મૃતદેહને બાર કાઢ્યો હતો. જેને પી.એમ માટે મોટીમારડ હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ ડુબેલ તરુણ ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામનો રહેવાસી છે. 17 વર્ષીય મૃતક રાજ જયસુખભાઈ ગોલતર ઉપલેટાથી પાટણવાવ પોતાના મિત્રો સાથે ફરવા માટે નિકળ્યા હતો, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.