રાજ્યમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ જાગૃત થાય તેમજ તેમની સલામતી જળવાઈ રહે તે માટે અવનવા કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે હાલ રાજકોટમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને શહેરના ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને બોલબાલા ટ્રસ્ટ મારફતે ગોવાણી અને ફિલ્ડમાર્શલ છાત્રાલયની અંદાજીત 1 હજાર જેટલી વિદ્યાર્થીનીઓની હાજરીમાં સીધીબાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીનીઓ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને સાયબર ક્રાઇમ, ક્રાઇમ, ટ્રાફીક, સેલ્ફ ડિફેન્સ સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓના તમામ પ્રશ્નોના યોગ્ય જવાબ આપવામાં આવ્યા હતા. આ સાથેજ પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.