રાજકોટ: જેતપુરના છેલ્લા રાજવી મહિપાલ વાળા સાહેબનું દુઃખદ અવસાન થયું છે. આજે સવારે તબિયત નાદુરસ્ત થયા બાદ 74 વર્ષની વયે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા. જેતપુરના ધારેશ્વર દરબારગઢ ખાતેથી રાજવી મહિપાલ વાળાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. તેમના નિધનથી રાજવી પરિવાર સહિત સમગ્ર જેતપુર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે.
છેલ્લા રાજવીઃ સદગત મહિપાલ વાળા સાહેબને ભારત સરકારે જેતપુરના છેલ્લા રાજવી તરીકે જાહેર કર્યા હતા. જેતપુરના રાજવી પરિવારના છેલ્લા વંશજ વાળા સાહેબના પાર્થિવ દેહને ધારેશ્વર સ્થિત દરબારગઢ ખાતે મુકવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં નગરજનોએ તેમના છેલ્લા દર્શન કર્યા હતા. ત્યારબાદ સદગતની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવારની સાથે સાથે જેતપુરમાં પણ ઘેરો શોક ફેલાઈ ફેલાયો છે.
અભ્યાસ અને કારકિર્દીઃ મહિપાલ વાળા સાહેબે દેહરાદૂનની વિખ્યાત દૂન સ્કૂલ, રાજકોટની રાજકુમાર કોલેજ તેમજ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શિક્ષણ લીધું હતું. આ ઉપરાંત તેઓ વિશ્વવિખ્યાત રાજકુમાર કોલેજના 8 વર્ષ સુધી પ્રમુખ પણ રહ્યાં હતાં. તેમણે રસોઈ કળાની તાલીમ યુરોપ અને અમેરિકામાંથી મેળવી હતી. આ ઉપરાંત તેમણે ઈટાલી, રોમ, સ્વિત્ઝર્લેન્ડ, ઈરાક, અમેરિકા, ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો.
પ્રભાવશાળી વ્યક્તિત્વઃ સદગત મહિપાલ વાળા સાહેબ તેમના પિતા સુરગવાળા સાહેબની જેમ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવી હતું કે જે પણ મુલાકાતી આવે તેના પર મહિપાલ વાળા સાહેબની અમીટ છાપ રહેતી. તેમના પ્રભવશાળી વ્યક્તિત્વને પરિણામે જ મહિપાલ વાળા સાહેબ વિશ્વ વિખ્યાત રાજકુમાર કોલેજના 8 વર્ષ સુધી પ્રમુખ પદે સેવા આપી શકયા હતા. તેમના વ્યક્તિત્વ, ધારદાર વાકછટાના સૌ કોઈ કાયલ હતા. તેથી તેમણે લીધેલા નિર્ણયોનો કોઈ વિરોધ કરતું નહતું.