- રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
- ચણા, ધાણા, જીરૂ, લસણ, ડુંગળી, ઘઉં સહિતના પાકોનું વાવેતર કરેલા ખેડૂતોમાં ચિંતા
- મરચીના પાકની વચ્ચે મરચાના ઉત્પાદન સમયે જ કમૌસમી વરસાદ થતાં પાક નિષ્ફળ જવાનો ભય
રાજકોટઃ જિલ્લાના જસદણ, આટકોટ, જેતપુર, ધોરાજી, વીરપુર, કાગવડ, શાપર વેરાવળ અને ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ સાથે જ માવઠાની દહેશત વચ્ચે જેતપુર, ધોરાજી, કાગવડ, જસદણ, શાપર વેરાવળ, વીરપુર, જામકંડોરણા, ગોંડલ અને આસપાસના ગામોમાં રસ્તાઓ ભીંજાવતો કમોસમી વરસાદ પડ્યો હતો, તો બીજી તરફ તાલુકાના મોવિયા, બિલિયાળા, જામવાડી, ગોમટા, દેરડી (કુંભાજી) પંથકમાં પણ આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે છાંટા ખરતા જોવા મળ્યાં હતાં.
ચણા, ધાણા, જીરૂ, લસણ, ડુંગળી, ઘઉં સહિતના પાકોનું વાવેતર કરેલા ખેડૂતોમાં પાકમાં નુકસાનીની ભીંતિ
વધુમાં ગોંડલ, ધોરાજી, જસદણ પંથકમાં માવઠાની દહેશત વચ્ચે આ વર્ષે રવી પાકમાં ચણા, ધાણા, જીરૂ, લસણ, ડુંગળી, ઘઉં સહિતના પાકોનું વાવેતર કરેલા ખેડૂતોમાં પાકમાં નુકસાનીની દહેશત વ્યાપી હતી. હાલમાં ગોંડલ પંથકમાં વાવેતર સમયે અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ ગયેલા મરચીના પાકની વચ્ચે મરચાના ઉત્પાદન સમયે જ કમોસમી વરસાદની દહેશત વચ્ચે ખેડૂતો પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે ચિંતાતુર બન્યા છે.