રાજકોટઃ ગોંડલમાં શુક્રવારે સાંજે પાંચ કલાકે આકાશમાં વાદળો ઘેરાયાં બાદ ગાજવીજ અને વાવાઝોડા સમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં ભારે પવન સાથે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી કેટલાક રાજમાર્ગો પર પાણી ભરાયાં હતાં. જ્યારે માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો હતો.
ભારે પવનને કારણે માર્કેટ યાર્ડમાં સુકા મરચાંનાં માંડવા ઉડી જતાં મરચાંને નુકશાન થયું હતું. ગુંદાળા ચોકડી પર પોલીસ ચેક પોષ્ટની છાવણી ભારે પવનમાં ઉડીને ધરાશાયી બની હતી. ભોજરાજપરામાં એક રહેણાંક પર લગાવાયેલા સોલારની પેનલો પત્તાની માફક ફંગોળાઇ હતી. શહેરનાં કેટલાક વિસ્તારોમાં વૃક્ષોની તોતીંગ ડાળીઓ ધરાશાયી થવાં પામી હતી.
અડધા કલાક ત્રાટકેલાં તોફાની વરસાદથી ગુલમહોર રોડ, મોંઘીબા સ્કુલ રોડ, કોલેજચોક, જમનાબાઇ હવેલી સહીતનાં વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. છેલ્લાં બે ચાર દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતું હોવાં છતાં માર્કેટયાર્ડમાં આગોતરા આયોજનનાં અભાવે મગફળીનો જથ્થો પલળી જતાં ખેડૂતોને નુકશાની ભોગવવી પડી હતી.